સુરત : હાલ કોરોના વાયરસ (Coronavirus)ને પગલે રાજ્યમાં લૉકડાઉન (Lockdown)ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરત (Surat City) શહેરમાં કારીગરો અવારનવાર રાશન માટે રસ્તા પર ઉતરી આવે છે. સુરતમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં લોકો રાશન લેવા માટે પૈસા નથી તેવા દાવા સાથે રસ્તા પર ઉતરી આવે છે. આ દરમિયાન મજૂરોએ રસ્તા પર હંગામો (Surat Migrant Protest) મચાવીને પોલીસ (Surat Police) પર પથ્થરમારો પણ કર્યો હતો. જે બાદમાં જે વિસ્તારોમાં કારીગરો વધારે રહે છે ત્યાં તંત્ર તરફથી રસોડા શરૂ કરીને તેમને ભોજન આપવામાં આવી રહ્યું છે. જોકે, બીજી તરફ આનાથી તદન વિપરીત બાજુ દર્શાવતો એક વીડિયો સામે આવ્યો છે. જે કારીગરો પાસે રાશન માટે પૈસા નથી તેમની પાસે દારૂ લેવા માટે ખૂબ પૈસા છે. આ લોકો મોજશોખ માટે દારૂ (Desi Daru) લેવા માટે લાઈનો લગાવે છે!
લૉકડાઉનને પગલે મજૂરી કરતા લોકો બેકાર બન્યા છે. સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો લૉકડાઉનને પગલે મોટા પ્રમાણમાં બેકાર બન્યા છે. આ લોકોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ લોકો હંગામો મચાવી રહ્યા છે. રાશન માટે પૈસા ન હોવાથી તેમને વતન જવાની છૂટ આપવામાં આવે તેવી આ લોકોની માંગણી છે.
ગત 11મી એપ્રિલે સુરતના લસકાણા ખાતે મોટી સંખ્યામાં ઓડિશાના વતનીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત આગજનીના બનાવો પણ બન્યા હતા. આ લોકોની એક જ માંગ હતી કે તેમની પાસે રૂપિયા નથી, જેનાથી તેઓ ભૂખે મરી રહ્યા છે. જે બાદ આ વિસ્તારમાં તંત્ર તરફથી રસોડું શરુ કરવામાં આવ્યું છે.
જે કારીગરો પાસે રાશન અથવા જમવાના રૂપિયા નથી ત્યારે આ જ વિસ્તારમાં વેચાતો દેશી દારૂ લેવા માટે તેમની પાસે રૂપિયા છે. કારણ કે વિરોધ કરનારા કારીગરો જ આ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દારૂ લેતા જોવા મળ્યા છે. આ વીડિયો વાયરસ થતાં અનેક લોકો એવી દલીલો કરી રહ્યા છે કે સરકાર તરફથી વિવિધ સુવિધા તેમજ મફતનું ભોજન મળી રહે તે માટે આ લોકો વારેવારે હોબાળો મચાવી રહ્યા છે. આ સાથે જ સરકારે આવા લોકોની નહીં પરંતુ ખરેખર જેમને જરૂરી છે તેમની મદદ કરવાની માંગ ઉઠી છે. રાશન માટે પૈસા ન હોવાની માંગ કરી રહેલા કહેવાતા બિચારા કારીગરો દારૂ માટે લાઇનો લગાવે છે તેવો વીડિયો વાયરલ થતાં આ લોકો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.