Home /News /surat /દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ શ્રીકાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ શ્રીકાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

વલસાડમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા

દક્ષિણ ગુજરાતના દરિયાઇ પટ્ટાના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં 2 ઇંચ, માંગરોળમાં 12 કલાકમાં 5.5 ઇંચ, નવસારી જિલ્લામાં 3.5 ઇંચ જ્યારે ઉપરવાસના વરસાદ સાથે ગણદેવીમાં બે દિવસમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ

વલસાડ જિલ્લામાં પણ ઉમરગામ પારડી વાપીના દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના પારડી, વાપી ધરમપુર અને ઉમરગામમાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને વાપી પંથકમાં વરસાદી ઝાપટા બાદ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

દેવધા ટાઇડલ ડેમ છલકાવાની તૈયારીમાં

નવસારી ગણદેવીમાં 5.5 ઇંચ અને જલાલપોરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 4 ઇંચ, તાપી જિલ્લાના વ્યારામાં 4.4 ઇંચ અને ડોલવણમાં 4 ઇંચ વરસાદ નંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ બંને કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસમાં વરસાદ સાથે ગણદેવી તાલુકામાં બે દિવસમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગણદેવીની અંબિકામાં પાણીની આવક વધતા દેવધા ટાઇડલ ડેમ છલકાવાની તૈયારીમાં છે. સુરક્ષાના ભાગરૂપે ડેમના 40 દરવાજાઓ માંથી 20 દરવાજા ખોલાયા છે. ત્યારે અંબિકા નદીના કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. દેવધા ટાઇડલ ડેમમાંથી 25 લાખ લિટર પાણી છોડાયું છે. સુરત શહેરમાં બે દિવસથી વરસાદી વાતાવરણ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ

બારડોલીમાં 41 મિમી
ચોર્યાસીમાં 29 મિમી
કામરેજમાં 50 મિમી
પલસાણામાં 36 મિમી
માંગરોળમાં 144 મિમી
માંડવીમાં 56 મિમી
મહુવામાં 62 મિમી
ઓલપાડમાં 37 મિમી
ઉમરપાડામાં 101 મિમી
સુરત સીટીમાં 17 મિમી
First published:

Tags: Monsoon forecast, South Gujarat Rain, ગુજરાત, દક્ષિણ ગુજરાત