સુરતઃ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ વર્ષીય બાળકી બળાત્કારનો ભોગ બનતા બચી ગઈ છે. ભૂંગળાની લાલચ આપીને 24 વર્ષીય નરાધમ બાળકીને ઘરમાં લઈ ગયો હતો. ત્યારે બાળકીને શારીરિક અડપલાં કરતા તે રડવા લાગી હતી અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારે પાડોશીઓએ રૂમનો દરવાજો ખોલાવીને બાળકીને મુક્ત કરાવી હતી.
બાળકીને નિર્વસ્ત્ર કરી અડપલાં કર્યા
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં ત્રણ વર્ષીય બાળકી આંગણામાં રમી રહી હતી. ત્યારે પાડોશમાં રહેતો 24 વર્ષીય યુવક બાળકીને ભૂંગળા ખવડાવવાની લાલચ આપીને ઘરે લઈ ગયો હતો અને બાથરૂમમાં લઈ જઈને બાળકીને નિર્વસ્ત્ર કરી નાંખી હતી. ત્યારબાદ બાળકીને શારીરિક અડપલાં કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન જ બાળકીને ન જોતા માતાએ તેની શોધખોળ હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટના દરમિયાન બાજુના મકાનમાંથી બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારે અવાજ સાંભળતા જ બધા ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક પાડોશીનો દરવાજો ખોલાવ્યો હતો. દરવાજો ખોલતાં જ પાડોશી અરવિંદ નિશાદ પાસે ત્રણ વર્ષની બાળકી નિર્વસ્ત્ર જોવા મળી હતી. તેના કપડાં પણ અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના વિશે બાળકીની પૂછપરછ કરતા ઘટના સામે આવી હતી.
આરોપીએ કંઈ અઘટિત ન કર્યાનું કબૂલ્યું
સુરત પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી અરવિંદ નિશાદને ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા 10 વર્ષથી મજૂરીકામ કરે છે. ત્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ કોઈ અઘટિત કૃત્ય કર્યુ નથી. ત્યારબાદ બાળકીને મેડિકલ રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આલી હતી. ઉલ્લેખનીય છે કે, પાડોશીની સમયસૂચકતાને કારણે ત્રણ વર્ષની બાળકી પિંખાતા બચી ગઈ હતી. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.