Home /News /surat /Gujarat Weather Update: નવરાત્રીના જામેલા રંગમાં વરસાદે પાડ્યો ભંગ, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો
Gujarat Weather Update: નવરાત્રીના જામેલા રંગમાં વરસાદે પાડ્યો ભંગ, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો
નવરાત્રીમાં વરસાદ બન્યો વિલન
Gujarat Weather Rain Update: ગુજરાતમાં નવરાત્રી ટાણે જ કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ખેલૈયાઓની સાથે ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.
Gujarat Rain Update : રાજ્યમાં નવલા નોરતાનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓ મન ભરીને ગરબે ઝૂમી રહ્યાં છે. ત્યારે ગરબા પ્રેમીઓ માટે માઠા સમાચાર મળી રહ્યાં છે. આજે સાતમા નોરતે ખેલૈયાઓમાં ગરબાને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદે ગરબાના રંગમાં ભંગ પાડ્યો છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદે દસ્તક આપી છે. જેથી ગરબા પ્રેમીઓની સાથે સાથે ગરબા આયોજકોની પણ ચિંતા વધી છે.
જૂનાગઢના માણાવદરમાં પંથકમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદી ઝાપટું વરસ્યુ હતું. સવારથી ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાતાવરણમાં આવ્યો પલ્ટો
આ સાથે જ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ગણદેવી ,બીલીમોરા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે વરસાદ આવતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે.
પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ફરી એન્ટ્રી કરી છે. જીલ્લાની ભોગસર, ચોલીયાણા સહીતના ગામોમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિં સેવાઈ રહી છે. સાથે જ ઘેડ પંથકના દેરોદર,મિત્રાળા અને ભડ ગામમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સાથે જ અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ફરી દસ્તક આપી છે. સુરતના કીમ, કઠોદરા, કીમામલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રી ટાણે અચાનક ખાબકેલા વરસાદથી ગરબા રસિકો મૂંઝવણમાં મુકાયા છે. સાથે જ ગરબા આયોજકોની પણ ચિંતા વધી છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે જણાવ્યુ કે, નવરાત્રીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાપટાં પણ પડી શકે છે. તારીખ પાંચમી સુધીમાં સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ ત્રણથી પાંચમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
શરદ પૂનમે કેવું રહેશે વાતાવરણ
ચોમાસાની વિદાય અંગે તેમણે જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાંથી ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લેશે. પરંતુ ચોમાસાની વિદાય વચ્ચે પણ તારીખ 10 અને 11, જો શરદ પૂનમની રાતે ચંદ્ર શ્યામ વાદળો છવાશે તો સમુદ્રમાં વાવાછોડું ફૂંકાવવાની શક્યતા રહેશે. તારીખ 8થી 22માં બંગાળના સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે. હવાનું હળવું દબાણ રહેતા દક્ષિણ પૂર્વીય તટીય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.