સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections)માં આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. રાજ્યમાં ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 1299 ફોર્મ ભરાયા છે, અને આજે પણ અંતિમ દિવસે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવા સરકારી કચેરીએ ઉમટી પડ્યા છે. ત્યારે મતદાન પહેલા જ સુરતમાં ટિકિટ મામલે પાટીદાર નેતાઓમાં નારાજગીના સૂર ઉઠતા કોંગ્રેસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવા માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારોને અંતિમ સમયે ઉમેદવારી ફોર્મ ન ભરવા દેતા કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 16 માટે જે પાટીદાર નેતાઓને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, તેમને અંતિમ સમયે ટિકિટ ન મળતા પાટીદાર નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 17 માટે વિલાસબેન ધોરાજીયા અને વોર્ડ નંબર 16 માટે વિજય પાનસેરીયાને ટિકિટ આપવાનું નક્કી થયું હતું, જેને પગલે બંને ઉમેદવાર રેલી સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા, અંતિમ સમયે તેમની ટિકિટ કાપવામાં આવતા કોંગ્રેસ નેતા અને પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ પોતાની નારાજગી દર્શાવી છે. ધાર્મિક માલવીયાએ આ મામલે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા અમને અંધારામાં રાખવામાં આવ્યા, વોર્ડ નંબર 16 માટે વિજય પાનસેરીયા અને નોર્ડ નંબર 17 માટે વિલાસબેન ઘોરાજીયાને ટિકિટ આપવાની વાત હતી, રેલી પણ કાઢવામાં આવી અને અંતિમ સમયે 2.30 કલાકે માહિતી મળી કે, તેમને ટિકિટ આપવામાં આવી નથી. અંતિમ સમય સુધી પાર્ટી દ્વારા અંધારામાં રાખતા તેમના સમર્થનમાં અમે ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચીશું, અમારી સાથે અન્ય 12 જેટલા કોર્પોરેટરો પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના કાર્યકરોએ પોતાના નામની છેલ્લે સુધી રાહ જોઇ પરંતુ અંતે પક્ષે આયાતી ઉમેદવારો એટલે કે ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા કાર્યાલયમાં તોડફોડ કરીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાનું કહેવાઇ રહ્યું છે. જેના કારણે કૉંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે.