Home /News /surat /

Gujarat Election 2022: સુરતની માંડવી (ST) બેઠક કોંગ્રેસ માટે છે સુરક્ષિત, આ વખતે ભાજપ પોતાના પલડામાં લાવી શકશે ?

Gujarat Election 2022: સુરતની માંડવી (ST) બેઠક કોંગ્રેસ માટે છે સુરક્ષિત, આ વખતે ભાજપ પોતાના પલડામાં લાવી શકશે ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022, સુરત માંડવી એસટી બેઠક

માંડવી બેઠક નવેસરથી બની ત્યાર પછીની બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસના ઉમદેવાર સારા માર્જિનથી જીત્યા છે. આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. વર્ષ 2017માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચૌધરી આનંદભાઈ મોહનભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રવિણભાઈ મેરજીભાઈ ચૌધરીને 50776 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી.

વધુ જુઓ ...
    ગુજરાતમાં 2022ની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. છેલ્લા 24 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. આજે 18 વર્ષથી 35 વર્ષ સુધીનાં યુવા મતદારોએ ગુજરાતમાં કોંગ્રેસ શાસનનો અનુભવ કર્યો જ નથી, બીજી બાજુ યુવા મતદારો છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં વિકાસ મોડેલને સફળ થતું જોઈ ચુક્યા છે. કોંગ્રેસનાં આગેવાનોની નવી પેઢીમાં ભાજપ વિચારધારાએ પ્રવેશ કર્યો છે. એક પછી એક યુવા નેતાઓ જે રીતે ભાજપમાં પ્રેવેશ કે પક્ષપલટો કર રહ્યાં છે તે જોતા સામાન્ય પ્રજાનો કોંગ્રેસ પક્ષમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે. એ જ કારણ છે કે રોજગાર, મોંઘવારી અને ખેતીના ઘણા પ્રશ્નો હોવા છતાં ગુજરાતની જનતા સત્તા પરિવર્તનનો માર્ગ અપનાવી રહી નથી. કોંગ્રેસ પાસે ખુબ ઓછી એવી બેઠક બચી છે, જ્યાં તેનું પ્રબળ પ્રભુત્વ છે. જેમાંની એક સુરત જિલ્લામાં આવેલી શેડ્યૂલ ટ્રાઈબ માટેની અનામત માંડવીની બેઠક છે, જ્યાં કોંગ્રેસની પકડ યથાવત છે. જાણીએ મંડાવી વિધાનસભા બેઠકના ઇતિહાસ અને સમીકરણ.

    માંડવી બેઠક એ રાજ્યના 182 વિધાનસભા બેઠકો પૈકીની એક છે. તે સુરત જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારો માટે અનામત છે. આ બેઠક 2008 સીમાંકનમાં બનાવવામાં આવી હતી અને તે બારડોલી (લોકસભા મત વિસ્તાર)નો ભાગ ગણાય છે.

    બેઠક હેઠળ સમાયેલો વિસ્તાર

    માંડવી સુરત શહેરથી 61 કિલોમીટર પૂર્વમાં તાપી નદીના કિનારે આવેલું છે. આ વિધાનસભા બેઠકમાં માંડવી તાલુકો, સોનગઢ તાલુકા (ભાગ)ના ગામો – સાદડકુવા, સામરકુવા, અમલડી, સિંગલવણ, આજવર, ઓટાટોકરવા, બોરડા, ખારી આંબા, ગુંદી, વાજપુર, સાતકાશી, કુલીવેલ, અમલપાડા, બાવલી, સેરુલ્લા, લીંબી, સર જામલી,

    નિંદવાડા, ભાટવાડા, જુવાડા ખસીયા મેધા, સિસોર, પંચ પીપલા, ભાણપુર, જામાપુર, વેકુર, બોરી સાવર, વડદા પી ભેંસરોટ, સિંગલ ઘાંચ, બુંધ, સિલાટવેલ, પાથરડા, વાડી ભેંસરોટ, સિંગપુર, વાઘનેરા, ધજાંબા, વેલઝર, ચીખલી ભેંસરોટ, બેડ ભેંસરોટ, ઝડપાટી,

    ગલખાડી, પીપલકુવા, મોતી ખેરવણ, નાની ખેરવણ, ઘોડા, ભુરીવેલ, ભીમપુરા, વેગડા, ગુંસાડા, દુમડા, આમલીપાડા, કેલાઈ, કાવલા, આમલી, બેડી, અગાસવણ, નિશાના, અછલવા, બેડવાન ખડકા, કીકાકુઈ, ચૌકા, ઉકાઈનો સમાવેશ થાય છે.

    બેઠક પરના મતદારોની સંખ્યા

    માંડવી બેઠકમાં કુલ મતદાર 245251 છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા 120660 અને સ્ત્રી મતદારોની સંખ્યા 124589 છે. માંડવી બેઠક નવેસરથી બની ત્યાર પછીની બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસના ઉમદેવાર સારા માર્જિનથી જીત્યા છે. આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે.

    વર્ષ 2017માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચૌધરી આનંદભાઈ મોહનભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રવિણભાઈ મેરજીભાઈ ચૌધરીને 50776 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી.

    જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પ્રભુભાઈ વસાવા ભાજપના હેમલતા વસાવાને આશરે 24000 મતોથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા. બીજી તરફ બારડોલી લોકસભા બેઠક ઉપરથી 2014 અને 2019માં ભાજપ તરફથી ઉમેદવાર સાંસદ બન્યા છે .

    બેઠકની સ્થિતિ

    પૂર્વપટ્ટીનાં આદિવાસી મતદારો વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહ્યા છે. જ્યારે નગર અને શહેરનાં મતદારો ભાજપની મજબૂત વોટ બેંક છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે માંડવીમાં સારો દેખાવ કર્યો હતો. જોકે કોંગ્રેસનો દબદબો ત્યાં યથાવત છે. સુરત જિલ્લા પંચાયતની 36 માંથી માત્ર બે જ બેઠક પર કોંગ્રેસ છે અને બંને માંડવીની છે. આ જોતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં માંડવી (ST)ની બેઠક કોંગ્રેસ પોતાની સુરક્ષિત બેઠકોમાંની એક ગણી શકે છે.

    મંડાવી બેઠકને લગતી સમસ્યાઓ

    નેશનલ હાઇવે- 53 પર ભાટીયા ટોલનાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ અપાઇ નથી. તેમજ સોનગઢના માંડલ ટોલનાકા પર સ્થાનિકોએ ટોલ માફી અંગે બે વાર લોક આંદોલન કર્યું છતા ટોલમાફી મળી નથી. આ બાબતે પ્રજામાં નારાજગી છે.

    કાકરાપાર કોઝવે પરથી શરુ કરેલી પીવાની પાણીની લાઇન પુરેપુરી ચાલુ ન થતા માંડવી, માંગરોળ અને ઉમરપાડા ગામને પુરેપુરુ પાણી મળતું નથી.

    માંડવીમાં વીરપોર, રોસવાદ અને કરંજ ગામો મુંબઈ અમદાવાદ એક્ષપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન ક્ષેત્રમાં આવતા હોવાથી અહીં ખેડૂતોને જમીનનું વળતર અને નુકસાનીનું વળતર આપવાની બાબતે પણ વિલંબ થઇ રહ્યો હોવાની વાત સામે આવી છે.

    આદિવાસી યુવાનો જાતિના સર્ટિફિકેટ માટે ત્રણ પેઢી જુના પ્રમાણપત્રો અને શાળા પ્રવેશના દાખલા આપવા પડે છે . ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં ભારે તકલીફ પડતી હોઈ 70 વર્ષ જુના દાખલા બતાવવાની પ્રથાનો વિરોધ માંડવીના યુવાનોએ કોંગ્રેસની અધ્યક્ષતામાં ધરણા પ્રદર્શનથી કર્યો હતો. આનંદ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ માંડવી તેમજ સુરત જિલ્લાના આદિવાસી યુવાનો માટે જાતિ પ્રમાણપત્ર મેળવવાની સરળ પ્રક્રિયા લાગુ કરવાંની માંગ કરી હતી.

    ભાજપ માટે કપરા ચઢાણ

    અહીં ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંગઠનોને એકત્ર કરવામાં આવી રહ્યા છે. તેઓ જળ, જંગલ પાણી સંરક્ષણ માટે આદિવાસી પ્રજાના આંદોલનનું સમર્થન કરે છે. આ પરિબળ ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે, ખાસ કરીને ભાજપ માટે તે આદિવાસી મત મેળવવાનું વધુ મુશ્કેલ કરી શકે છે.

    ભાજપ માટે માંડવીના આદિવાસી મતવિસ્તારમાં જીત મેળવવું મુશ્કેલ રહ્યું છે. કારણકે અહીં સ્થાનિક નેતાઓમાં ભારે વિશ્વાસ મુકવામાં આવે છે. ભાજપે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને રીઝવવા ઘણા પ્રયાસો હાથ ધાર્યા છે. આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણ મળી રહે એ માટે એકલવ્ય મોડેલ પ્રોજેક્ટ શરુ થયો.

    જેમાં 750 એકલવ્ય મોડેલ શાળા શરુ કરવામાં આવી છે. માંડવી માટે પણ ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ માંડવીથી મઢી જતા સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવે જાહેર કરાવી માંડવી તાપી નદી પરના તૂટેલા પુલ પુનઃ બનાવવાની મંજુરી મેળવી હતી.

    હવે આવનારી વિધાનસભા ચૂંટણીમાં માંડવીની વર્ષોથી સુરક્ષિત બેઠક કોંગ્રેસ જળવાશે કે, ભાજપ વિકાસ અને નેતૃત્વના પાવરથી આ બેઠક પોતાની તરફ વાળી શકશે? તે કોંગ્રેસ માટે અહીં ચિંતાનો વિષય ઓછો છે. પરંતુ માંડવીની બેઠક મેળવવવા ભાજપે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવાની સાથે અનુસૂચિત જનજાતિના લોકોના વિકાસ માટે વચનોની લ્હાણી પણ કરવી પડે એમ છે.

































    વર્ષવિજેતા ઉમેદવારનું નામપક્ષ
    2017ચૌધરી આનંદભાઈ મોહનભાઈકોંગ્રેસ
    2012પરભુભાઈ નાગરભાઈ વસાવાકોંગ્રેસ
    1972વિનોદભાઈ એમ ચૌધરીકોંગ્રેસ
    1967પી.ડી.પટેલકોંગ્રેસ
    1962રામજીભાઈ રાજાભાઈ ચૌધરીકોંગ્રેસ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Mandvi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन