Home /News /surat /Gujarat Election 2022: ઓલપાડ બેઠક પર મતદારો ભાજપનું કમળ ખીલવશે કે પછી કોંગ્રેસનો પંજો પકડશે? જાણો સ્થિતિ
Gujarat Election 2022: ઓલપાડ બેઠક પર મતદારો ભાજપનું કમળ ખીલવશે કે પછી કોંગ્રેસનો પંજો પકડશે? જાણો સ્થિતિ
ઓલપાડ બેઠક પર છેલ્લા 25 વર્ષથી ભાજપની સત્તા છે. 2002થી 2012 સુધી ચાલેલી મોદી લહેરમાં ભાજપે ઓલપાડમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી.
(olpad assembly constituency: ઓલપાડ બેઠક પર છેલ્લા 25 વર્ષથી ભાજપની સત્તા છે. 2002થી 2012 સુધી ચાલેલી મોદી લહેરમાં ભાજપે ઓલપાડમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક પર મૂળ સુરતી મતદારોનો પ્રભાવ વધુ છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ઝીંગા તળાવ અને રોજગારી મુદ્દે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ચૂંટણી પંચ ગમે ત્યારે રાજ્યમાં ઇલેક્શનની જાહેરાત કરી શકે છે. આમ તો દરેક પક્ષ માટે જીતવા માટે રાજ્યની દરેક બેઠકનું મહત્વ અલગ અલગ હોય છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાઓએ તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમનેસામને ખેલાવાનો બાકી છે, મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા લાગે છે.
ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ માનવામાં આવે છે. એવી જ એક બેઠક ખેડા જિલ્લાની ઓલપાડ બેઠક છે. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે ઓલપાડ વિધાનસભા બેઠક (olpad assembly constituency) વિશે મહત્વની વિગતો વિશે જાણીશું.
ઓલપાડ વિધાનસભા બેઠક- (olpad assembly Seat)
ઓલપાડ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. ઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. આ ઉપરાંત ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી ઓલપાડ બેઠક 155 નંબરની બેઠક છે. વર્ષ 2017 મતવિસ્તારમાં કુલ 359364 મતદારો છે, જેમાંથી 191414 પુરૂષ, 167945 મહિલા અને 5 અન્ય છે.
ઓલપાડ બેઠક પર છેલ્લા 25 વર્ષથી ભાજપની સત્તા છે. 2002થી 2012 સુધી ચાલેલી મોદી લહેરમાં ભાજપે ઓલપાડમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક પર મૂળ સુરતી મતદારોનો પ્રભાવ વધુ છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ઝીંગા તળાવ અને રોજગારી મુદ્દે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દાઓને લઈને આ વખતે ભાજપને પોતાની સીટ બચાવવા ભારે સંઘર્ષ કરવો પડી શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ભાજપના મુકેશભાઈ જીણાબાઈ પટેલનો વિજય થયો હતો. કોંગ્રેસના યોગેન્દ્રસિંહ ચંદ્રસિંહ ચૂંટણી હારી ગયા હતા. ભાજપ ઉપરાંત કોંગ્રેસ, બસપા, AAP અને ઘણી પ્રાદેશિક પાર્ટીઓએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
અગાઉ આ બેઠક ભાજપના મુકેશભાઈ જીણાભાઈ પટેલ પાસે હતી અને 2012માં તેમણે કોંગ્રેસના જયેશકુમાર શંકરભાઈ પટેલને 37 હજારથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા.આ સીટ હંમેશાથી ભાજપનો ગઢ રહી છે. છેલ્લી વખત 1985માં કોંગ્રેસે આ સીટ જીતી હતી અને ત્યારથી ભાજપે આ સીટ પરથી જીત મેળવી છે. મુકેશભાઈ પહેલા કિરીટબાઈ ગંગારામભાઈ પટેલ 2007માં, ધનસુખભાઈ નાથુભાઈ પટેલ 2002 અને 1998માં અને ભગુભાઈ પટેલ 1995 અને 1990માં જીત્યા હતા.
કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવે છે કે ભાજપે માત્ર જાતિ અને સાંપ્રદાયિક રાજનીતિ કરી છે. સ્થાનિક યુવાનો હજુ રોજગારી માટે ચિંતિત છે. તેમનુ માનવું છે કે આ વખતે લોકો પરિવર્તન માટે ચોક્કસ વોટ આપશે. તો બીજી તરફ અન્ય પક્ષ અને કેટલાક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે 22 વર્ષમાં કરેલા વિકાસના કામો બધાની સામે છે. રોડથી માંડીને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા સહિતની કામગીરીનો સમાવેશ કરાયો છે. ભાજપનો કોઈ વિકલ્પ નથી.
જોકે, બેઠક ઉપર મતદારો ભાજપનું કમળ ખીલવશે કે પછી કોંગ્રેસનો પંજા પકડે છે તે ઉપરાંત અન્ય રાજકીય પાર્ટીના ઉમેદવારો કયા પક્ષના મત ઝુંટવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
ભૂતકાળની ચૂંટણીઓ
વર્ષ
વિજેતા ઉમેદવારનુ નામ
પક્ષ
2017
પટેલ મુકેશભાઈ
બીજેપી
2012
પટેલ મુકેશભાઈ
બીજેપી
2007
પટેલ કિરીટભાઈ
બીજેપી
2002
ધનસુખભાઈ પટેલ
બીજેપી
1998
ધનસુખભાઈ પટેલ
બીજેપી
1995
પટેલ ભાગુભાઈ
બીજેપી
1990
પટેલ ભાગુભાઈ
બીજેપી
1985
પટેલ મહેન્દ્રભાઈ
આઈએનસી
1980
પટેલ બાલુભાઈ
આઈએનસી
1975
પટેલ પ્રભુભાઈ
એનસીઓ
1972
પટેલ બાલુભાઈ
આઈએનસી
1967
એચ કે દેસાઈ
આઈએનસી
1962
હિતેન્દ્ર દેસાઈ
આઈએનસી
બેઠકની સમસ્યાઓ
અરબી સમુદ્રને અડીને આવેલા ઓલપાડમાં મોટા પ્રમાણમાં કુદરતી ગેસ ઉપલબ્ધ હોવા છતાં અહીં ઉદ્યોગો આવી શક્યા નથી. આ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનોને રોજગારીની શોધમાં બહાર જવું પડે છે.
કેટલાક લોકોનુ માનવું છે કે વિસ્તારનો જે જેટલો વિકાસ થવો જોઈએ તે કરવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર વર્ગ વિશેષની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે યોગ્ય નથી. આ સાથે જ જો પ્રાથમિક સમસ્યાઓની વાત કરવામાં આવે તો અહીં રોડ રસ્તાની સમસ્યા સાથે જ ટ્રાફિકની સમસ્યા મુખ્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે.
આ સાથે જ અહીંના કેટલાક ગામોમાં સફાઈનો અભાવ જોવા મળે છે. ઠેર ઠેર કચરો ઠાલવવામાં આવતા વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળે છે સાથે જ રખડતા પશુંઓનો ત્રાસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ગટરના પાણી ઉભરવાની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયી છે. ખાસ કરીને સરદાર નગર વિસ્તારના લોકો બારેમાસ આ પ્રકારની સમસ્યાથી ખૂબ પરેશાન થઈ ગયા છે. લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક આગેવાનો વારંવાર રજૂઆત છતા પ્રશ્નોનો નિકાલ કરતા નથી અને સ્થાનિકોની સમસ્યા દૂર કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે.
બેઠકના વિવાદ
સુરતના ઓલપાડમાં રહેણાંક સોસાયટીમાં રાતોરાત ચર્ચ બનવવામાં આવ્યું હતું. જેને લઈને હિન્દૂ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઓલપાડ તાલુકા મથકની મુરલી લેક સીટીનામની સોસાયટીમાં ચર્ચ બનાવી દેવતા સ્થાનિકોનો વિરોધ બાદ હિંદૂ સંગઠનો રોડ પર ઉતર્યા હતા.
હિન્દૂ સંગઠનોએ ઓલપાડ બજારમાં રેલી કાઢી ઓલપાડ મામલતદારને આવેદન આપવામાં આવ્યું. જો ચર્ચ નહી હટાવવામાં આવે તો આવનારા દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ હિન્દૂ સંગઠનોએ ઉચ્ચારી છે.હિન્દૂ સંગઠન દ્વારા ચર્ચના નામે ધર્માંતરણની પ્રવૃત્તિની આશંકા સેવાઇ છે.