Home /News /surat /Gujarat election 2022: અનુસુચિત જનજાતિ માટે અનામત મહુવા બેઠકની સ્થિતિ શું છે? જાણો કોનું છે વર્ચસ્વ
Gujarat election 2022: અનુસુચિત જનજાતિ માટે અનામત મહુવા બેઠકની સ્થિતિ શું છે? જાણો કોનું છે વર્ચસ્વ
Mahuva st assembly constituency: મહુવા (એસટી) વિધાનસભા મતવિસ્તાર સુરત જિલ્લામાં આવેલો છે અને બારડોલી (એસટી) લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. મહુવા (એસટી) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે.
Mahuva st assembly constituency: મહુવા (એસટી) વિધાનસભા મતવિસ્તાર સુરત જિલ્લામાં આવેલો છે અને બારડોલી (એસટી) લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. મહુવા (એસટી) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે.
ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022: ગુજરાતમાં દાસકાઓથી ભાજપનું શાસન છે. જેથી ગુજરાતનાં યુવા મતદારો ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) શાસનનો અનુભવ અને કાર્ય પધ્ધતિથી બિલકુલ અજાણ છે. મતદારોનાં માનસપટ ઉપર કોમવાદી વિચારધારાની ઈમેજ છવાયેલી રહે છે. આવી સ્થિતિમાં ભાજપ (BJP)ને લાભ થાય છે. આ ઉપરાંત ઘણા સમયથી સત્તા મળી ન હોવાથી કોંગ્રેસ (Congress)ના સંગઠનમાં કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસના આગેવાનોમાં જૂથવાદ વધુ જોવા મળે છે.
દરેક ચૂંટણીમાં ભાજપ સામે લડવાની જગ્યાએ એકબીજાને પાડી દેવા લડતા હોય તેવું ચિત્ર ઉપસે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ આવું જોવા મળી શકે છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્યો માથુ ન ઉંચકે તે માટે ભાજપે પણ અગાઉથી તૈયારી કરી રાખી છે. ઘણા નેતાઓ ટિકિટ કપાઈ ન જાય તે માટે રાજકીય લોબિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. ચૂંટણીનો માહોલ બંધાઈ ચુક્યો છે અને દરેક બેઠક જીતવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. આજે અહીં મહુવા (એસટી) બેઠકની સ્થિતિનો ચિત્તાર આપવામાં આવ્યો છે.
મહુવા (એસટી) વિધાનસભા બેઠક
મહુવા (એસટી) વિધાનસભા (Mahuva st constituency) મતવિસ્તાર સુરત જિલ્લામાં આવેલો છે અને બારડોલી (એસટી) લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 292850 વસ્તીમાંથી મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. આ બેઠક પર અનુસૂચિત જનજાતિ (એસટી) 75.22 ટકા અને અનુસૂચિત જાતિ (એસસી) 1.48 ટકા હોવાનું આંકડા કહે છે.
2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 217814 મતદારો અને 266 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 75.64 ટકા મતદાન થયું હતું, જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 76.92 ટકા મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 50.07 ટકા અને 46.17 ટકા મત મળ્યા હતા. જ્યારે 2019માં અનુક્રમે 55.08 ટકા અને 38.79 ટકા મત મળ્યા હતા. ભાજપના પરભુભાઈ નાગરભાઈ વસાવા બારડોલી (એસટી)ના વર્તમાન લોકસભાના સાંસદ છે અને ભાજપના ઢોડિયા મોહનભાઈ ધનજીભાઈ મહુવા (એસટી) વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.
આ બેઠક હેઠળ મહુવા તાલુકો, વાલોડ તાલુકો, બારડોલી તાલુકાનો અમુક ભાગ તેમજ મસાડ, મિયાવાડી, રજવાડ, નસુરા, વઢવાણીયા, જુનવાણી, બલદા, વાંસકુઇ, ભેંસુદલા, નાની ભાટલાવ, માંગરોળીયા, વધાવા, ટીમ્બરવા, પીપરીયા, માઢી, સુરાલી, માણેકપોર, ઉવા, કરચકા, હિંડોલિયા, કીકવડ, ગોતાસા, સારેથી, મોતી ભટલાવ, સેજવડ, અલ્લુ, વણકનેર, કનૈયા, પારડી વાલોડ સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે. મહુવા વિધાનસભા મતવિસ્તાર બારડોલી લોકસભા મતવિસ્તારનો ભાગ છે. બારડોલી તાલુકાના પૂર્વ તરફના 29 ગામો અને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તમામ ગામોના આ વિધાનસભા વિસ્તારમાં સમાવેશ થાય છે.
મહુવા (એસટી) બેઠક ભૂતકાળની ચૂંટણીના પરિણામો
ગત 2017ની વિધાનસભ ચૂંટણીમાં ભાજપના ઢોડિયા મોહનભાઈ ધનજીભાઈ 82607 મતથી જીત્યા હતા. તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી ડો.તુષારભાઈ અમરસિંહભાઈ હતા. જીતનું માર્જિન 6433 મતનું હતું. 2017ની ચૂંટણીમાં મહુવા બેઠક પર 76.62 ટકા મતદાન નોંધાયું હતું અને આ બેઠક માટે 9 ડિસેમ્બર, 2017ના રોજ ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઢોડિયા મોહનભાઈ ધનજીભાઈ 74161 મતથી જીત્યા હતા. તે સમયે કોંગ્રેસ પાર્ટીના ઈશ્વરભાઈ નરસિંહભાઈ વહિયા તેમના નજીકના હરીફ હતા. જીતનું માર્જિન 11687 મતોનું હતું.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
ઢોડિયા મોહનભાઈ
ભાજપ
2012
ઢોડિયા મોહનભાઈ
ભાજપ
2007
ઈશ્વરભાઈ વહિયા
કોંગ્રેસ
2002
ઈશ્વરભાઈ વહિયા
કોંગ્રેસ
2002
ઢોડિયા મોહનભાઈ
ભાજપ
1998
દેવદતકુમાર પટેલ
ભાજપ
1995
ઈશ્વરભાઈ વહિયા
કોંગ્રેસ
1990
માનસિંહ પટેલ
કોંગ્રેસ
1985
ધનજી ઢોડિયા
કોંગ્રેસ
1980
ધનજી ઢોડિયા
કોંગ્રેસ
1975
ધનજી ઢોડિયા
કોંગ્રેસ
1972
મંછારામ પટેલ
કોંગ્રેસ
1967
સી એન રાઠોડ
કોંગ્રેસ
1962
ડાહીબેન રાઠોડ
કોંગ્રેસ
મહુવા (એસટી) બેઠકના જ્ઞાતિ-જાતિના સમીકરણો
મહુવા (એસટી) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. તેમ છતાં પરંપરા મુજબ આ બેઠક પર ઢોડિયા ઉમેદવારો વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતા હોય છે. તેને કારણે ઢોડિયા મતોનું વિભાજન થવાથી ચૌધરી અને હળપતિના મતો મહત્વના સાબિત થાય છે. તાપી જિલ્લામાં વાલોડ, બારડોલીના કેટલાક ગામો અને મહુવા તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે.
જેથી આ બેઠક પર આદિવાસી મતદારો મહત્વ વધુ રહેલું છે. નવા સીમાંકન બાદ ચીખલી તાલુકાના ગામો નીકળી જતાં ઢોડિયા સમાજનું પ્રભુત્વ ઓછું થયું છે. જ્યારે બારડોલી અને વાલોડ તાલુકામાં ચૌધરી સમાજની વસ્તી વધુ હોય ચૌધરી સમાજ આ બેઠક માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
આગામી 2022ની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયું છે. કોંગ્રેસ પણ તૈયારી કરે છે. ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા એક તરફ જાહેર કરાયું છે કે 60 વર્ષની ઉંમરની મર્યાદા વિધાનસભાની ટિકિટ માટે નથી તો બીજી બાજુ એવું પણ ગોઠવાઈ રહ્યું છે કે ત્રણ ટર્મથી સળંગ ચૂંટાઈ રહેલા ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી. એટલે મોટા ભાગના સિનિયર ધારાસભ્યો ઘેર બેસી શકે છે.
તેથી મોહન ઢોડિયાની ટિકિટ બાબતે અસમંજસ છે. આમ તો તેઓ બે ટર્મમાં સફળ જીત મેળવી ચૂક્યા છે ત્યારે આ બેઠક પર ભાજપના આગામી ઉમેદવાર કોણ હશે? મોટો પ્રશ્ન છે. જ્યારે કોંગ્રેસ નવા સીમાંકન બાદની આ બેઠક પર ખાતું ખોલવા માંગે છે, ગત વખતે કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બારડોલીના માજી સાંસદ ડૉ. તુષાર ચૌધરી જેવ ટોચના નેતાને ટિકિટ આપી હતી છતાં પણ હાર થઈ હતી, જેથી આગામી ચૂંટણીમાં કોણ મુરતિયો હશે તેના પર સૌની નજર છે.
મતદારોની સમસ્યાઓ
ગુજરાતના શહેરો જેટલો વિકાસ ગ્રામ્ય વિસ્તારોમાં થયો નથી. આ બેઠકના મોટાભાગના મતદારો ગામડાઓમાં વસેલા છે. અનેક વિસ્તારોમાંમાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકો વલખા મારે છે. બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઊંચું છે. પશુપાલન અને ખેતીમાં યુવાનોનું બહોળું પ્રમાણ છે અને ઉદ્યોગોનો અભાવ જોવા મળે છે. મહુવા વિધાનસભાના કેટલાક ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રસ્તા અને આરોગ્યની સુવિધા વંચિત જોવા મળી રહ્યા છે. અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને આરોગ્ય સંબંધિત સુવિધા માટે બારડોલી, નવસારી, વ્યારા કે સુરત જેવા શહેરો પર આધાર રાખવો પડે છે.