ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યો છે. તમામ 182 બેઠકોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે તાજેતરમાં જ પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. પાર્ટીએ અત્યારથી મહેનત શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હાલ ગડમથલ કરી રહી છે પણ કોંગ્રેસ માટે હજું દિલ્હી દૂર હોય તેમ લાગે છે. તો બીજી તરફ આપ પણ આ વખતે મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. એવામાં સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. ત્યારે ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું લિંબાયત વિધાનસભા બેઠક વિશે.
લિંબાયત વિધાનસભા બેઠક
ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી સુરતની લિંબાયત વિધાનસભા બેઠક એક છે. જણાવી દઈએ કે વર્ષ 2012માં નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. ગોડાદરા નગરપાલિકાઓ અને ડિંડોલી, ખારવાસાની નગર પંચાયતોના જોડાણને કારણે આ બેઠકના વિસ્તાર અને વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વિસ્તારમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા ખૂબ વધારે છે એવામાં ત્યા પરપ્રાંતિયો અને રોજગારની શોધમાં બહારથી આવેલા લોકો પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ વિસ્તાર તેના વિકાસના કારણે જાણીતો છે. લિંબાયત બેઠકમાં સુરત શહેર તાલુકાના – સુરત મહાનગરપાલિકા (ભાગ) વોર્ડ નં. – 35, 49, 50, 51, 52 નો સમાવેશ થાય છે
લિંબાયત વિધાનસભા બેઠક પર મતદારો
કુલ મતદારોઃ 258729
સ્ત્રી મતદારોઃ 112290
પુરુષ મતદારોઃ 146433
અન્યઃ 06
લિંબાયત વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો
જે પ્રમાણે અગાઉ આપણે વાત કરી કે અન્ય લોકો જે સ્થળાંતર કરીને અહીં આવ્યા છે તેમની વસ્તી આ વિસ્તારમાં વધુ જોવા મળે છે. લિંબાયત વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર મરાઠી લોકોનુ વધુ પ્રભુત્વ જોવા મળે છે. આ સિવાય મુસ્લિમો, ગુજરાતી, ઉત્તર ભારતીયો વગેરે પણ આ વિસ્તારમાં બહુમતી ધરાવે છે. આંકડાકીય રીતે જોઈએ તો લિંબાયત બેઠક પર આશરે મરાઠી- 80235, મુસ્લિમ- 76758, ગુજરાતી- 28290, ઉત્તર ભારતીયો- 20795, રાજસ્થાની- 11282, તેલુગુ- 12220, આંધ્રપ્રદેશ- 130 ની સંખ્યામાં જોવા મળે છે.
આ બેઠક પર મરાઠી અને મુસ્લિમોના મત વધુ માત્રામાં જોવા મળે છે. મરાઠી સમાજના મતોનુ અહીં વિશેષ મહત્વ છે. આ વિસ્તારમાં વર્ષ 2017 ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના ત્રણેયના ઉમેદવારો મરાઠી સમાજના હતા, જેના કારણે અહીં મરાઠી મતોનુ વિભાજન થયું હતું. મરાઠી સમાજના મતોના વિભાજન બાદ આ વિસ્તારમાં મુસ્લિમ મતદારો મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
લિંબાયત વિધાનસભા બેઠક પર રાજકીય સમીકરણો
મરાઠી સમાજ બાદ મુસ્લિમોના મત અહીં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આવા સમયે ભારતીય જનતા પાર્ટી માટે જ્યાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીતવુ અઘરું હોય છે. જેથી લિંબાયત બેઠક પર પણ મુસ્લિમ સમાજના મત મેળવી વિજયી બનવુ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.
જો કે આ બેઠક પર એનસીપી સિવાય તમામ પક્ષોએ મરાઠી ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. આ દરમ્યાન લિંબાયત બેઠક પરથી એનસીપીએ ત્રણ મરાઠી ઉમેદવારો વચ્ચે અકરમ અંસારીને મેદાનમાં ઉતારીને કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. જો કે તેમની આ રણનીતિ સફળ થઈ નહતી.
આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની શકે છે. ભૂતકાળના વાત કરીએ તો અહીંથી ભાજપના કદાવર ગણાતા નેતાઓ ચૂંટણી લડી ચૂક્યાં છે. જો કે ભૂતકાળમાં અહીં એટલે કે વર્ષ 2012 અને 2017માં બન્ને વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. પણ જે પ્રકારે પરિસ્થિતી જોવા મળે છે કે મુસ્લિમ વિસ્તારોમાં કોંગ્રેસનો વિયજ થાય છે તે મુજબ આ વખતે પરિણામ બદલાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ગત વખતે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ડો. રવીન્દ્ર પાટિલ એક સમયે સી આર પાટિલના અંગત માણસ ગણવામાં આવતા હતા. આ જ કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ભાજપ અને પાટિવની રણનીતિથી વાકેફ હોવાને કારણે સરળતાથી જીત મેળવી શકશે. જો કે પરિણામ તેમની અપેક્ષા પ્રમાણે જોવા મળ્યા નહી અને આ બેઠકક પર ભાજપના સંગીતા પાટિલનો વિજય થયો હતો.
લિંબાયત વિધાનસભા બેઠક પર હારજીતના સમીકરણો
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2012 | સંગીતા પાટિલ | બીજેપી |
2017 | સંગીતા પાટિલ | બીજેપી |
2012ની ચૂંટણી પરિણામ તરફ દ્રષ્ટિપાત કરીએ તો અહીં ભાજપના સંગીતાબેન પાટિલ અને કોંગ્રેસના સુરેશ સોનવણે વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના સંગીતાબેન પાટિલનો 30,209 મતે વિજય થયો હતો.
2017 ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો તે વખતે ભાજપ તરફથી સંગીતા પાટિલને ફરીથી મેદાને ઉતારવામાં આવ્યા હતા જેની સામે કોંગ્રેસના રવિન્દ્ર પાટિલ મેદાને હતા. આ વખતે સંગીતા પાટિલે રવિન્દ્ર પાટિલ સામે 31,951 મતોથી વિજય મેળવ્યો હતો અને ફરી એક વાર જીતનો પરચમ લહેરાવ્યો હતો.
લિંબાયત વિધાનસભા બેઠક પર ન ફળ્યો પક્ષ પલટો
વર્ષ 2012માં લિંબાયત બેઠક અસ્તિત્વમાં આવી ત્યાર બાદથી અહીં ભાતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા રવિન્દ્ર પાટિલને પાર્ટી તરફથી ટિકીટ ન મળતા તે ફરી વાર કોંગ્રેસમાં સામેલ થયા અને તેમણે ઘરવાપસી કરી. જો કે તેમનો આ પક્ષ પલટો પ્રજાને રાસ આવ્યો નહી અને પ્રજાએ તેમને નકારી કાઢી જંગી બહુમતીથી ભાજપના સંગીતા પાટિલને વિજયી બનાવ્યા હતા.
આ છે લિંબાયત બેઠકની સમસ્યાઓ
સુરતની લિંબાયત બેઠક પર મુખ્ય સમસ્યાઓની વાત કરીએ તો આ વિસ્તારમાં પાણીની સમસ્યા સૌથી ગંભીર સમસ્યા છે. ઉનાળાના દિવસોમાં પાણીની અછત અને સતત પાણી કાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.
આ સાથે જ પાણીનો પુરવઠો અટકી પડતા લોકોને ટેન્કર વડે પાણી ભરવાનો પણ વારો આવે છે. પાણીકાપ સિવાય આ વિસ્તારના રહિશો દ્વારા અવાર નવાર દૂષિત અને અસ્વચ્છ પાણી આવતુ હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. આ સાથે જ લિંબાયતના સ્થાનિક રહીશો અહીંના બિસ્માર રોડ રસ્તાઓની સમસ્યાથી પણ પરેશાન છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Limbayat