Home /News /surat /SSC 10th Result 2022: ધોરણ 10ના પરિણામમાં સુરતે મારી બાજી, સમગ્ર રાજ્ય ફરી ડંકો વગાડ્યો
SSC 10th Result 2022: ધોરણ 10ના પરિણામમાં સુરતે મારી બાજી, સમગ્ર રાજ્ય ફરી ડંકો વગાડ્યો
ધો-10ના પરિણામમાં સુરતે મેદાન માર્યું.
Surat SSC result 2022: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આશા દીપ સ્કૂલના પાર્થે શાળાનું ગૌરવ વધાર્યું છે. સુરતમાં આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૌથી વધારે એ-૧ ગ્રેડ મેળવ્યો છે.
સુરત: સુરત શહેરે ધોરણ-10ના પરિણામ (SSC 10th Result 2022)માં ફરીથી ડંકો વગાડ્યો છે. સુરત જિલ્લો 75.64% પરિણામ સાથે નંબર વન પર રહ્યો છે. એટલે કે સુરત જિલ્લા (Surat district)નું પરિણામ સૌથી વધારે આવ્યું છે. બીજી તરફ સુરતના આશાદીપ સ્કૂલના 250 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સમગ્ર ગુજરાતની ધોરણ-10નું પરિણામ 65.18 ટકા રહ્યું છે, ત્યારે સુરત જિલ્લાનું પરિણામ 75.64 ટકા રહ્યું છે. સુરતના નામ એક અન્ય રેકોર્ડ પણ થયો છે. જેમાં સુરતના સૌથી વધારે 2,532 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં A-1 ગ્રેડ મેળવ્યો છે.
બોર્ડની સત્તાવાર માહિતી પ્રમાણે સુરત જિલ્લામાં કુલ 79,730 પરીક્ષાર્થીઓ હતા. બીજી તરફ સુરતમાં 14 એવી સ્કૂલ છે જેનું 100 ટકા પરિણામ આવ્યું છે. બીજી તરફ ચાર સ્કૂલ એવી છે જેનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. કોરોનાના ભય વચ્ચે આ વર્ષે લેવાયેલી ઓફલાઇન પરીક્ષામાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઇ જવા પામી છે. પરિણામમાં જોવા મળ્યું છે કે ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓ મેદાન મારી રહ્યા છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આશા દીપ સ્કૂલના પાર્થે શાળાનું ગૌરવ વધાર્યું છે. સુરતમાં આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૌથી વધારે એ-૧ ગ્રેડ મેળવ્યો છે. આ શાળામાં મોટા પ્રમાણમાં મધ્યમ અથવા ગરીબ પરિવારના બાળકો ભણતા હોય છે. આ સ્કૂલના રત્ન કલાકાર પરિવારના એક બાળકે 95 ટકા લાવીને પરિવાર સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે માતા-પિતાએ તો મહેનત કરી હતી, સાથે સાથે શાળા સંચાલકોએ પણ તેમની પાછળ મહેનત કરી હતી.
રિક્ષા ચલાવતા વિકીની દીકરીએ 95 ટકા માર્કસ લાવીને પરિવાર સાથે શાળાનું નામ રોશન કર્યું છે. શાળામાંથી ગરીબ પરિવારના અનેક બાળકો એ-1 ગ્રેડ સાથે પાસ થાય છે. આ વિદ્યાર્થીઓના આગળ ભણવા માટે પણ શાળા સંચાલક દ્વારા મદદ કરવામાં આવતી હોવાની વિગતો સતત સામે આવે છે.
ધો-10ના પરિણામમાં સુરતે મેદાન માર્યું.
ધોરણ-10નું 65.18% પરિણામ
ધોરણ-10ની પરીક્ષા (GSEB Result 10th Exam) આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) તરફથી ધોરણ-10નું પરિણામ (10th result declare) જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટપરથી પરિણામ જાણી શકે છે. એક અંદાજ પ્રમાણે નવ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. ઘર બેઠા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. જોકે, માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ હજુ થોડી રાહ જોવી પડશે. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે કુલ 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ સરેરાશ પરિણામ 65.18% ટકા આવ્યું છે.