Nidhi Jani, Surat: 15મી ઓગસ્ટ (Independence day) આવતા પહેલા જ દેશભરમાં ઉત્સાહ સાથે આઝાદીના પર્વની ઉજવણી કરવાનું શરુ થઇ જાય છે. ત્યારે આ વખતે તો આઝાદીના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાન પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. તો દરેક ઘરોમાં, જાહેર સ્થળોએ, ગાડીઓ પર લાગેલા રાષ્ટ્રધ્વજ (Indian National Flag) 15મી ઓગસ્ટ પછી સચવાય અને તેની ગરિમા જળવાઈ રહે તેના માટે કોઈ જાગૃતિ (Awareness) નથી, તો લોકોમાં તેના વિશેની પણ જાગૃતિ આવે તે ખુબ જરૂરી છે. આ વિષય પર સરકાર અને જાહેર સંસ્થાઓ પણ કાર્ય કરતી દેખાય છે.
સુરતમાં અલગ અલગ સંસ્થાઓ, દુકાનો વગેરે જગ્યાએથી નવી નવી યોજનાઓ કાઢીને લોકોને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે અને સાથે સાથે તેઓને આ કાર્ય કરવા માટે પ્રેરણા પણ આપે છે.
સુરતની વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવી એક પહેલ ' ધ્વજ આપી જાઓ અને ઘી લઇ જાઓ' શરુ કરવામાં આવી છે. 16 થી 20 ઓગસ્ટના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં સુરતના ચાર અલગ અલગ સ્થળે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિ રાષ્ટ્રધ્વજ આપે છે તેમને પ્રતિ રાષ્ટ્રધ્વજ 15 મિલી ગાયના અને 15 મિલી ભેંસના ધીનું પાઉચ આપવામાં આવે છે. સુરતમાં કાપોદ્રા, કતારગામ ,વેસુ, અને રામનગર વિસ્તારમાં આના કેન્દ્ર આવેલા છે તદુપરાંત વધુ માહિતી માટે ફોન સંપર્ક પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
વાસ્તુ ટ્રસ્ટ આ ભેગા કરેલા રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટેના વિચાર કરીને તેનો યોગ્ય ઉકેલ ટ્રસ્ટના સભ્યો સાથે ભેગા મળીને લાવશે તેવું તેમનું કહેવું છે. સુરતીઓ અત્યારે તો માત્ર તિરંગાને કોઇક એવી જગ્યાએ પહોંચડાય તે હેતુથી જ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટને રાષ્ટ્રધ્વજ આપે છે, ઘી તો ગૌણ વસ્તુ છે તેવું ત્યાં આવતા શહેરીજનોનું માનવું છે.
માત્ર આ ટ્રસ્ટ નહિ પરંતુ સુરતના ઘણી બધી જગ્યાએ અલગ અલગ પહેલ કરીને લોકો તિરંગા ભેગા કરે છે. આ બધું કરવાથી દેશના નાગરિકો વચ્ચે રાષ્ટ્રપ્રેમની લાગણી વધે છે. ભારતમાં ઠેર ઠેર ઉત્સાહ અને આનંદ સાથે આઝાદીનો પર્વ ઉજવાયો અને દેશને આઝાદી આપવાનાર મહાન વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.