Home /News /surat /

સુરતની અત્યાધુનિક લાજપોર જેલમાં ગેંગવોર! વિશાલ વાઘની ગેંગના સાગરીતની હત્યાનો પ્રયાસ

સુરતની અત્યાધુનિક લાજપોર જેલમાં ગેંગવોર! વિશાલ વાઘની ગેંગના સાગરીતની હત્યાનો પ્રયાસ

ઘાયલ કેદીને સારવાર માટે સિવિલમાં ખસેડાયો

Surat Gangwar: હુમલા દરમિયાન કેદીને માથામાં થાળી મારી તેમજ ધારદાર હથિયાર વડે ચહેરા ઉપર ઇજા પહોંચાડવામાં આવી હતી. વધુ ઇજા થાય તે પહેલાં જ બૂમાબૂમને પગલે જેલ સિપાઇ દોડી આવ્યા હતા.

સુરત: સુરતની અત્યંત સુરક્ષિત ગણાતી લાજપોર જેલ (Lajpore Jail)માં વિશાલ વાધ (Vishal wagh gang), મન્યા ડુક્કર (Manya Dukkar) અને નરેન્દ્ર કબૂતર (Narendra Kabutar) વચ્ચે ચાલી રહેલી ગેંગવોર દરમિયાન ગતરોજ સવારે વિશાલ વાઘની ગેંગના કેદીની હત્યાનો પ્રયાસ થયો હતો. તેલના ડબ્બાનું પતરૂં કાપી તેનું ધારધાર હથિયાર બનાવી નરેન્દ્ર કબૂતરે તેના સાગરિતો સાથે મળીને નિર્મલ ઉર્ફે લાલુ (Lalu) ઉપર હુમલો કરી દીધો હતો. આ બનાવ સવારે સાડા આઠ વાગ્યે બન્યો હતો. લાજપોર જેલને સૌથી સુરક્ષિત જેલ માનવામાં આવે છે. આ ઉપરાંત જેલમાં સીસીટીવી (CCTV) પણ લગાવવામાં આવ્યા છે, છતાં ગેંગવોરનો બનાવ બન્યો હોવાથી આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, જેલમાંથી સમયાંતરે મોબાઇલ ફોન પણ પકડાતા રહે છે. આ ઉપરાંત જેલના કર્મચારીની એન્ટી કરપ્શન બ્યૂરોએ ધરપકડ કર્યાનો બનાવ પણ બન્યો હતો.

મળતી માહિતી પ્રમાણે લિંબાયતના રાયોટિંગના ગુનામાં ઝડપાયેલો નિર્મલ ઉર્ફે લાલુ મહેન્દ્રસિંહ પરમાર ગત છઠ્ઠી મેના રોજ જેલમાં આવ્યો હતો. તેને બેરેક નંબર A/9 માં રખાયો હતો. બેરેક નંબર A/9 /3 અને A/9/4 વચ્ચે આવેલા કોમન ટોઇલેટમાં નિર્મલ ગયો હતો ત્યારે તેની ઉપર નરેન્દ્ર ઉર્ફે કબૂતર, સાગર ઉર્ફે ફટકો લોઢે અને સાગર આધાર કોળીએ હુમલો કરી દીધો હતો. એક પાસે તેલના ડબ્બાનું પતરૂં કાપી બનાવેલી ધારદાર હથિયાર હતું. બીજા પાસે જ્યારે પાસે થાળી હતી.

ચહેરા પર ઈજા પહોંચાડવામાં આવી


હુમલા દરમિયાન માથામાં થાળી મારી તેમજ ધારધાર હથિયાર વડે ચહેરા ઉપર ઇજા પહોંચાડવામાં આવી હતી. જોકે, વધુ ઇજા થાય તે પહેલાં જ બૂમાબૂમને પગલે જેલ સિપાઇ દોડી આવ્યા હતા અને કેદીને બચાવ્યો હતો. ઘટનાને પગલે જેલ તંત્ર પણ ચોંકી ગયું હતું. જેલમાં બે ગેંગ વચ્ચે ચાલતી ગેંગવોરને પગલે થયેલાં આ હુમલાને પગલે તંત્ર દોડતું થયું હતું અને ઘાયલ કેદીને નવી સિવિલ ખાતે ખસેડ્યો હતો. આ મામલે જેલ તંત્રએ સચિન પોલીસને જાણ કરી હતી. ગેંગવોરની ઘટના બાદ સચિન પોલીસના તમામ અધિકારીઓ સહિતનો કાફલો જેલમાં તપાસ માટે ધસી ગયો હતો. કેદીએ આ હુમલાખોરો વિરૂદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: 'સોરી પપ્પા, સુનીલના કારણે આપઘાત કરું છું,' રાજકોટમાં યુવતીનો આપઘાત

ઉલ્લેખનીય છે કે વિશાલ વાઘ જ્યારે જેલમાં હતો ત્યારે મન્યા ડુક્કર અને તેની ગેંગ વચ્ચે દુશ્મની થઇ હતી. મન્યા ડુક્કર, નરેન્દ્ર ઉર્ફે કબૂતર અને સાગર કોળી સહિતની ગેંગ ઉપર હાલ ગુજસીટોક પણ લાગ્યો છે. પોતે વિશાલ વાઘ સાથે સંકળાયો હોવાથી બદલો લેવા નરેન્દ્ર ઉર્ફે કબૂતરે હુમલો કર્યાનું પોલીસને જણાવ્યું હતું. આ હુમલા પાછળ કોની સંડોવણી છે તેની પણ તપાસ હાલમાં ચાલુ કરવામાં આવી છે. આ કેસમાં જેલ પોલીસ સામે પણ તપાસ કરાવવામાં આવશે.


અન્ય બેરેકમાં રાખેલા કેદીઓ કેવી રીતે હુમલો કરી ગયા?


હુમલાખોરો અલગ અલગ બેરેકમાંથી આવીને બેરેક નંબર A/9 ના કેદી ઉપર હુમલો કરી ગયા હતા. આ ખરેખર ગંભીર બાબત છે. સૌથી મોટો સવાલ એ છે કે બીજી બેરેકમાંથી કેદીઓ કઇ રીતે પીડિત કેદીની બેરેકમાં આવી ગયા? આ કેસમાં જેલ પોલીસની બેદરકારીને લઇને પણ તપાસ કરવામાં આવશે. સુરતની અત્યાધુનિક જેલ સીસીટીવીથી સજ્જ હોવા છતાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Jail, ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર