સુરતમાં ગેંગરેપનો બનાવ સામે આવતા ચકચાર, પાડોશમાં રહેતી મહિલાએ જ કિશોરીને હવસખોરોને સોંપી દીધી
સુરતમાં ગેંગરેપનો બનાવ સામે આવતા ચકચાર, પાડોશમાં રહેતી મહિલાએ જ કિશોરીને હવસખોરોને સોંપી દીધી
સુરતમાં ગેંગરેપનો બનાવ
Surat crime: છ મહિના પહેલા સુરતના વરાછા વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીમાં રહેતી એક 15 વર્ષની કિશોરી તેની બાજુમાં રહેતી મીના રાજપૂત નામની મહિલા સાથે એક વ્યક્તિના ઘરે ગઈ હતી. જ્યાં આ કિશોરીને કેફી પીણું પીવડાવવામાં આવ્યું હતું.
સુરત: સુરતના વરાછા વિસ્તારમાં એક કિશોરી પર સામૂહિક દુષ્કર્મ (Surat Gang rape)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનારી કિશોરી મૂળ મધ્યપ્રદેશની વતની છે. આ સમગ્ર ઘટના છ મહિના પહેલા બની હતી પરંતુ કિશોરીએ વતન મધ્ય પ્રદેશમાં પહોંચ્યા બાદ પરિવારને આ બાબતે જાણ કરતા પરિવારના સભ્યોએ મોરેના જિલ્લા (Morena District)ના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના વરાછામાં બની હોવાના કારણે વરાછા પોલીસ સ્ટેશન (Varachha Police station)ને આ ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેથી આ સમગ્ર મામલે પોલીસે કિશોરી પર દુષ્કર્મ ગુજારનારા ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે છ મહિના પહેલા સુરતના વરાછા વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીમાં રહેતી એક 15 વર્ષની કિશોરી તેની બાજુમાં રહેતી મીના રાજપૂત નામની મહિલા સાથે એક વ્યક્તિના ઘરે ગઈ હતી. જ્યાં આ કિશોરીને કેફી પીણું પીવડાવવામાં આવ્યું હતું. પીણું પીધા બાદ કિશોરી બેભાન થઈ ગઈ હતી. કિશોરીની બેભાન અવસ્થામાં મીના રાજપૂત સાથે આવેલા ઈસમે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
કિશોરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મીના રાજપૂત નામની મહિલાએ ફરી એક વખત કિશોરીને પોતાની સાથે ફરવા આવવા માટે કહ્યું હતું. જે તે સમયે કિશોરીને તેણીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મીના રાજપૂત પોતાની સાથે લઈ ગઈ હતી. જે બાદમાં કિશોરી અજાણ્યા સ્થળ પર પહોંચી ત્યારે બે યુવકો દ્વારા આ કિશોરી સાથે ફરી એક વખત દુષ્કર્મ આચર્યું હતું.
કિશોરી પોતાના પિતાથી ડરતી હોવાને કારણે તેણીએ આ વતા કોઈને કહી ન હતી. બનાવના છ મહિના બાદ કિશોરી તેના વતન ગઈ હતી. જ્યાં કિશોરીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. કિશોરી દુષ્કર્મોનો ભોગ બની હોવાના કારણે પરિવારના સભ્યોએ મધ્યપ્રદેશમાં આવેલા મોરેના જિલ્લામાં જૌરાના મહિલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
મધ્યપ્રદેશ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી હતી, જે બાદમાં આ ફરિયાદ જીરો નંબરથી વરાછા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી હતી. વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી મીના રાજપુત અને કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનારા બે ઇસમોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે દુષ્કર્મ ગુજારનાર એક નરાધમને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર