સુરતમાં એક યુવતી ઉત્તરાયણની સાંજે પોતાની બહેન અને ભાઇઓ સાથે પાણીપુરી ખાવા ગઇ હતી. ત્યારે જ ત્યાં ચાર યુવાનોએ આવીને તેની સાથે ઝઘડો કરીને કહ્યું હતી કે તું અહીં પાણીપુરી ખાવા કેમ આવી? યુવાને જાહેરમાં જ યુવતીનાં કપડા ફાડી નાંખ્યાં હતાં. જેની જાણ થતાં યુવતીનો પરિવાર ત્યાં આવ્યો હતો પરંતુ યુવાનોએ તેમની પર પણ હુમલો કર્યો હતો.
આ મામલે મળતી જાણકારી પ્રમાણે શહેરનાં લિંબાયત વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને કડિયા કામ કરતી 22 વર્ષની યુવતી ગત 14મી જાન્યુઆરીનાં રોજ સાંજે પોતાનાં ભાઇબહેનો સાથે બહાર પાણીપુરી ખાવા આવી હતી.
તે જ સમયે સ્થાનિક માથાભારે યુવાનોએ યુવતીને માર માર્યો હતો જો કે યુવતીએ પણ તે લોકોને સામે ઝાપટ મારી હતી. જે બાદ તે યુવાનોમાંથી એકે યુવતીનાં કપડા ફાડી નાંખ્યા હતાં. તે જોઇને તેની એક બહેન ઘરે જઇને પરિવારને બોલાવી લાવી હતી.
જે પછી પણ માથાભારે યુવાનોએ પરિવાર સાથે પણ ઝઘડો કરીને તેમને પણ માર મારીને ફરાર થઇ ગયા હતાં. પહેલા આ યુવાનો સામે યુવતીએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ પરિવારજનોએ હિંમત આપી એટલે યુવતીએ ચારેય યુવાનો સામે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલામાં ફરાર યુવાનોને શોધી રહ્યાં છે.