રાજકોટ ક્રાઇમ બ્રાંચે (Rajkot Crime Branch) શહેરનાં રેલનગર વિસ્તારમાં રહેતાં શખ્સને રૂ. 63685 નાં અમુલ તથા ગોપાલ બ્રાન્ડનાં 500 મી.લી.ના 271 પાઉચ સાથે રામાપીર ચોકડી (Ramapir Chokadi) પાસેથી દબોચી લીધો છે. પકડાયેલા શખ્સે આ ઘી અસલી હોવાનું રટણ કર્યુ હતું પણ પોલીસે ખરાઇ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની (RMC) ફૂડ શાખાને બોલાવી ઘીના નમુનાં (Fake Ghee) લેવડાવી પરિક્ષણ માટે મોકલાવ્યા છે. ઝડપાયેલા શખ્સે પોતે સુરતનાં (Surat Crime) શખ્સ પાસેથી આ ઘીનો જથ્થો ઓછા ભાવે મંગાવી એમઆરપીના ભાવે વેચતો હોવાનું જણાવ્યું છે.
ઝડપાયેલાં વ્યક્તિનું કહેવું છે તેણે આ રીતે બે વખત જથ્થો મંગાવ્યો છે. રૈયા રોડ રામાપીર ચોકડી પાસેથી રેલનગર લોકમાન્ય તિલક આવાસ યોજનામાં રહેતાં મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રાને રૂ. 63,685નાં અમુલ અને ગોપાલ કંપનીના ઘીનાં 500 મી.લી.નાં 271 પાઉચ સાથે પકડાયો હતો. આ ઘી નકલી હોવાની પોલીસને દ્રઢ શંકા હોઇ શંકાસ્પદ જથ્થો ગણી તમામ માલ પોલીસે કબ્જે કર્યો હતો. આ માલને ચકાસણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાને જાણ કરી હતી.
ત્યાંના અધિકારીઓએ આ ઘીના નમુના લઇ પરિક્ષણ માટે મોકલ્યા છે. નકલી ઘીનાં જથ્થા સાથે પકડાયેલો મોન્ટુ સિઝનલ ધંધો કરે છે. ચીકી સહિતનો જથ્થાનો ધંધો કરતો હોઇ એક મિત્ર મારફત તેને સુરતના મહેશ નામના શખ્સનો નંબર મળ્યો હતો.
મહેશ અમુલ અને ગોપાલનું ઘી સસ્તા ભાવે આપતો હોવાની વાત સામે આવી હતી. બે મહિના પહેલા મોન્ટુએ તેનો ફોનથી સંપર્ક કર્યો હતો અને પોતાને ઘી જોઇએ છે તેવી વાત કરી હતી. વાત પાક્કી થયા બાદ મોન્ટુએ આંગડિયા મારફત મહેશને સુરત પૈસા મોકલી દીધા હતાં
જે બાદ મહેશે તેને ઘીનાં પાઉચ એસટી બસમાં પાર્સલ મારફત મોકલ્યા હતાં. બે મહિનામાં આ રીતે 400 જેટલા પાઉચ મોન્ટુએ મંગાવ્યા હોવાનું તેણે કબુલ્યું છે. આ પાઉચ સસ્તા ભાવે પોતે મંગાવતો હતો અને તેના પરની એમઆરપી મુજબ ડેરીઓ કે કરિયાણાની દૂકાને દૂકાને જઇ વેંચી દેતો હતો. એક પાઉચ પર આશરે સો જેટલો નફો મળતો હોવાનું તેણે સ્વીકારયું હતું.
જો કે આ ઘી નકલી જ છે કે કેમ? તેની કાયદેસરની ખરાઇ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ થશે એ પછી પોલીસ ગુનો નોંધવા કાર્યવાહી કરશે. મોન્ટુએ જેનું નામ આપ્યું છે એ મહેશ કોણ છે? એ કયાંથી બ્રાન્ડેડ કંપનીના ઘીના પાઉચ મેળવે છે? કે પછી એ પોતે જ નકલી ઘી બનાવીને સપ્લાય કરે છે? એ સહિતની તપાસ હવે પછી થશે.