સુરતઃ સામાન્ય રીતે ગુજરાતમાં દારુબંધી (Gujarat Liquor ban) છે પરંતુ ગુજરાતમાં દારૂ મળવો અને પીવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે દારૂડિયા પતિઓ દારૂના નશામાં પત્નીઓ ઉપર અત્યાચાર ગુજરાતા હોવાની ઘટનાઓ પણ છાસવારે બનતી રહે છે. જોકે, સુરતમાં (surat) દારુડિયા પતિથી કંટાળીને અભયમની ટીમ પાસે મદદ માંગી હતી. શહેરમાં મહિલાને દારુડિયા પતિના રોજબરોજના ત્રાસમાંથી મૂક્તિ આપવાની સાથે 181 અભયમ (Abhayam) હેલ્પલાઈને બેજવાબદાર પતિને તેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.
અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતાં મહિલા આશાબેન (નામ બદલ્યું છે)એ અભયમને કોલ કરીને દારૂડિયા પતિના ત્રાસથી મુક્તિ અપાવવા વિનવણી કરતા જણાવ્યું કે, હું પાંચ મહિનાના બાળક સાથે પતિ સાથે રહું છું. મારો રિક્ષાચાલક (Rickshaw Driver) પતિ રિક્ષા ચલાવવામાં જે પૈસા આવે તેમાંથી એક પણ પૈસો ઘરખર્ચ માટે ન આપતાં દારૂ પીવામાં ઉડાવી દે છે.
ઘરમાં અનાજ કે શાકભાજી ખરીદવા પૈસા આપતો નથી. પાંચ મહિનાના નાના બાળકના ઉછેર માટે જરા પણ ધ્યાન આપતાં નથી. આવારા મિત્રો સાથે અડધી રાત્રે પત્નીને એકલી મૂકી શરાબ પીવા બહાર જતા રહે છે. પતિની હરકતોથી જીવવું મુશ્કેલ થઈ ગયું છે. જેથી પતિના અસહ્ય ત્રાસમાંથી ઉગારવા અરજ કરી હતી.
આશાબેનના જણાવ્યા મુજબ તે પત્નીને પરેશાન કરવા ઉપરાંત અલગ રહેતાં પોતાની માતાના ઘરે જઈ ‘મારી પત્ની મને જમવાનું બનાવી આપતી નથી, અને ઘરમાં પણ રહેવા દેતી નથી. ઘરની બહાર કાઢી મૂકે છે’ આવું હળાહળ જૂઠું બોલી સાસુ સામે બદનામી કરે છે. જેથી તેના સાસુ આવીને આશાબેન સાથે અવારનવાર ઝઘડો અને ગાળાગાળી કરે છે. હાલમાં આશાબેન દશામાનું વ્રત હોવાથી તેણે પતિને ફરાળ અને દૂધ લાવી આપવા કહ્યું તો તેના પતિએ ફરીવાર રોજની ટેવ મુજબ ઝઘડો કર્યો હતો.
સમસ્યાને સાંભળ્યા બાદ અભયમ ટીમે મહિલાના ઘરે જઈ પતિનું કાઉન્સેલિંગ કરી દારૂ પીવાથી થતા નુકસાન વિશે અને દારૂ ન પીવા માટે સમજાવ્યું. દારૂ પીવાથી થતી કાયદાકીય સજા અંગે માહિતગાર કર્યો, અને કાયદાકીય પગલાં લેવાથી થતાં નુકસાન અંગે વિગતવાર જણાવ્યું. નાના બાળક અને પત્નીની જવાબદારી નિભાવવી એ એક પતિ અને બાળકના પિતા તરીકે નૈતિક ફરજ છે.
વીડિયોમાં જુઓ 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
આ મુજબ સમજાવટથી કામ લેતા શરાબી પતિને તેની જવાબદારીનું ભાન થયું હતું. તેણે અભયમને ખાતરી થતા આપતાં કહ્યું કે, ‘હવેથી હું મારા બાળક અને પત્નીનું ધ્યાન રાખીશ, દારૂની લત છોડીને ઘરની સંપૂર્ણ જવાબદારી નિભાવીશ. આમ, અભયમની મધ્યસ્થીથી પતિપત્નીનો સંસાર તૂટતાં બચી ગયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર