સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં સ્કૂલ બસના ડ્રાયવર અને ક્લિનર વચ્ચે રાત્રીના સમયે ઝઘડો થતા ડ્રાયવરે ક્લિનરની હત્યા કરી નાખી હતી. જેને લઈને સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારાને પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માથાકૂટ થતા ડ્રાઇવરે ક્લિનરને માર્યો
મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયના પાર્કિંગમાં શાળાની બસના ડ્રાયવર અને ક્લિનર વચ્ચે ઝઘડો થયો હતો. ક્લિનર અને ડ્રાયવર બંને ત્યાં જ પાર્કિંગમાં રહેતા હતા. ત્યારે ક્લિનર કલ્પેશ ઉપાધ્યાય વારંવાર રાત્રીના સમયે મોડે મોડે આવતા ડ્રાયવર દ્વારા ટોકવામાં આવ્યો હતો. જો કે, આ બાબતે અગાઉ પણ ઝઘડાઓ થયા હતા. એક દિવસ રાતે ક્લિનર મોડા આવતા ડ્રાયવર સુહિલ સુબેદારસિંગ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ઝઘડો ઉગ્ર થતા સુહિલે કલ્પેશને ઢોરમાર માર્યો હતો. જેને લઈને કલ્પેશ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ડ્રાઇવર સુહિલ ફરાર થઈ ગયો હતો.
રસ્તામાં ક્લિનરનું મોત નીપજ્યું
ઉલ્લેખનીય છે કે, કલ્પેશ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તેને લઈને સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.