Home /News /surat /સમાજ માટે લાંછન રૂપ કિસ્સો, ઉધાર રૂપિયા પરત ન કરવા પડે તેથી પતિએ પત્નીને મિત્રને હવાલે કરી દીધી

સમાજ માટે લાંછન રૂપ કિસ્સો, ઉધાર રૂપિયા પરત ન કરવા પડે તેથી પતિએ પત્નીને મિત્રને હવાલે કરી દીધી

નરાધમી પતિનું કારસ્તાન

Surat Latest News: સુરત શહેરના કતારગામમાં દાંપત્ય જીવનમાં લાંછન રૂપ કિસ્સો નોંધાયો છે. પતિએ ઉધાર લીધેલા રૂપિયા પરત કરવામાં નિષ્ફળ જતાં મિત્રને પોતાની પત્ની ભોગવવા માટે આપી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

સુરત: સુરત શહેરના કતારગામમાં દાંપત્ય જીવનમાં લાંછન રૂપ કિસ્સો નોંધાયો છે. પતિએ ઉધાર લીધેલા રૂપિયા પરત કરવામાં નિષ્ફળ જતાં મિત્રને પોતાની પત્ની ભોગવવા માટે આપી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કતારગામ ખાતે રહેતી વિવાહિતા દ્વારા પોતાના પતિ અને તેના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

પતિએ પૈસાના બદલે પોતાની પત્ની આપી દીધી


વિવાહિતાએ પોલીસ ફરિયાદમાં પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, તેના પતિએ 2017માં તેના મિત્ર મુકેશ પાસેથી 40 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, મુકેશ દ્વારા અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતાં તેના પતિએ રૂપિયા પરત કરવા અંગે પોતાની અસમર્થતા દાખવી હતી. આ દરમિયાન નરાધમ પતિએ પોતાની પત્નીને મુકેશને હવાલે કરી દીધી હતી. નરાધમ પતિએ મુકેશને રૂપિયા ન આપવા પડે તે માટે જ્યારે ઈચ્છા હોય ત્યારે તેની પત્નીને ભોગવવા માટે ધરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, પૈસાની લેતીદેતીમાં વિવાહિત મહિલાને પિસાવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: માતા-પિતાની નજર સામે 5 વર્ષના માસૂમ પુત્રનું મોત, કાર બાળકને ટક્કર માર્યા બાદ પલટી ખાઇ ગઇ

મુકેશે વારંવાર પરિણીતા પર પાશવી દુષ્કર્મ ગુજાર્યું


મુકેશ અને પીડિતાના પતિ વચ્ચે થયેલા આ પ્રકારના સમાધાનને પગલે મુકેશ પતિની હાજરીમાં જ ઘરે આવતો હતો અને વિવાહિતાની મરજી વિરૂદ્ધ તેના ૫૨ બળાત્કાર ગુજારતો હતો. ત્રણ-ત્રણ વર્ષ સુધી મુકેશ દ્વારા આ રીતે પાશવી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટના અંગે વિવાહિતા દ્વારા વિરોધ કરવામાં આવતાં તેનો પતિ પણ તેની સાથે મારઝુડ કરતો હતો. ત્રણ વર્ષ સુધી ચાલેલા આ નર્કાગાર જીવનને કારણે અંતે કંટાળીને વિવાહિતાએ પોતાના પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા.


પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી


અલબત્ત, ગત રોજ વિવાહિતાએ હિમ્મત કરીને પોતાના પતિ અને તેના મિત્ર મુકેશ વિરૂદ્ધ દુષ્કર્મ સહિતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અત્યારે મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં આ પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યા છે. સુરત પોલીસ પણ આ પ્રકારના ગુનાઓને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarati news, Surat news, Surat police