સુરત શહેરમાં વધતા શ્વાન હુમલા પર મેયર હેમાલી બોઘાવાલાનું નિવેદન
Surat Mayor Hemali Boghawala: સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ કૂતરાના કરડવાના કિસ્સા વધી રહ્યા છે તે અંગેનું કારણ તેમનામાં વધતા ડાયાબિટિસના કેસ હોવાનું જણાવ્યું છે. પશુ ચિકિત્સકે પણ આ કારણે રખડતા કૂતરા હુમલા કરતા હોવાનું જણાવ્યું છે. આ સાથે ડૉક્ટરે શું કાળજી રાખવી તે પણ જણાવ્યું છે.
સુરતઃ ગુજરાતમાં રખડતા ઢોરના કારણે બનતા અકસ્માત અને હુમલાના કિસ્સા સતત બનતા રહે છે. આવામાં શેરીઓમાં રખડતા શ્વાનના હુમલાના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છેે. સુરતમાં છેલ્લા 40 દિવસમાં શ્વાનના હુમલાના 3 બનાવ બન્યા છે. જેમાંથી બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે આ વખતે બનેલી ઘટના બાદ શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ એક ચોંકાવનારી વાત કહી છે. મેયરે શ્વાન આક્રામક બનવા પાછળનું કારણ શ્વાનમાં ડાયાબિટિસનું પ્રમાણ વધવાનું જણાવવામાં આવ્યું છે. આ અંગે પશુ ચિકિત્સક દ્વારા પણ મહત્વની વાત કરવામાં આવી છે. સુરત કોર્પોરેશન દ્વારા શ્વાન હુમલાના કિસ્સા બને ત્યારે ખસીકરણની વાત કરવામાં આવે છે પરંતુ સતત વધતી શ્વાનની સંખ્યાના કારણે વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર રમવા માટે મોકલતા પણ ગભરાઈ રહ્યા છે.
ડાયાબિટિસ વધવાથી કૂતરા કરે છે હુમલાઃ મેયર
શ્વાન હુમલાની ઘટના અંગે વાત કરતા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું છે કે, પશુ ડૉક્ટરોની સાથે બેઠક કરીને શ્વાનના હુમલાની વધતી ઘટના અંગે વાત કરવામાં આવી હતી, જેમાં ડૉક્ટરોએ જણાવ્યું છે કે કૂતરામાં ડાયાબિટિસનું પ્રમાણ વધ્યું છે, આ સિવાય ઘણાં કારણો જાણવા મળ્યા કે જેના કારણે તે બાળકો પર હુમલા કરે છે. જે ખરેખર દુઃખની ઘટના છે.
સુરતમાં રખડતા કૂતરાના ભયને ઓછો કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણની વાતો કરવામાં આવે છે આમ છતાં શહેરની હોસ્પિટલમાં ડોગ બાઈટ બાદ આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બાળકોએ શ્વાનના ભયાનક હુમલાના કારણે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. આવામાં શહેરના ટેક્સ ભરતા નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ટેક્સ ભરવા છતાં રખડતા કૂતરાનો આતંક ઓછો કરવામાં આ માટે તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે?
મહત્વનું છે કે શ્વાન પાછળ ખસીકરણ અને રસીકરણ માટે લાખોનો ખર્ચ પણ કરવામાં આવે છે આમ છતાં સતત બનતી ઘટનાઓના કારણે નાગરિકો ચિંતિત છે.
પશુ ચિકિત્કસ દિગ્વિજય રામ આ અંગે જણાવે છે કે, શ્વાનમાં ગ્લુકોઝનું લેવલ ઊંચું જવાના કિસ્સા વધી રહ્યા છે, આ અંગે પશુ ચિકિત્સકે જણાવ્યું કે, શ્વાનને બિસ્કિટ, શીરો જેવી વસ્તુઓ શ્વાનને ખવડાવવામાં આવતી હોય છે, જેના કારણે તેમના શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધે છે અને જેથી તેમનામાં ડાયાબિટિસના કેસ જોવા મળે છે. આ રોગના કારણે શ્વાનને ભૂખ વધુ લાગવાથી તે આક્રામક બનતા હોય છે અને માણસોને બચકાં ભરવા માટે દોડે છે. ડાયાબિટિસના કારણે શ્વાનમાં મોતિયાના કેસો પણ જોવા મળે છે.
આ સાથે ડૉ. દિગ્વિજયે જણાવ્યું છે કે, રખડતા કૂતરાને જે ખોરાક આપવામાં આવે છે તેમાં ખીચડી, દાળ-ભાત હોય તે આપી શકાય છે. શ્વાનને બિસ્કિટ જેવી વસ્તુઓ કે જેમાં ગ્લુકોઝ છે તે ખવડાવવામાં આવે તેના કારણે તેમનામાં ડાયાબિટિસનું પ્રમાણ વધતું હોય છે.
આ અંગે પશુ ચિકિત્સક દિગ્વિજયે જણાવ્યું કે આ વાયરલ કે બેક્ટેરિયાથી થતી બીમારી નથી જેના કારણે ડોગ બાઈટથી ડાયાબિટિસનો ચેપ માણસને લાગતો નથી. જોકે, તેમણે જણાવ્યું કે કૂતરામાં રહેલો હડકવાનો રોગ હોય તે લાગુ પડી શકે છે. એટલા માટે જ ડોગ બાઈટ બાદ ઘાયલ વ્યક્તિને હડકવાની અસર ના થાય તે માટે રસી આપવામાં આવે છે.