સુરત: શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. શુક્રવારે બપોરે પીપલોદ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ સમરસ હોસ્ટેલના સાતમા માળે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. ઉમરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
દેવાંશી કોલેજનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી
ડાંગનાં વઘઈ તાલુકાનાં બારખંડીયા ગામની વતની દેવાંશી ઇશ્વરભાઇ પાલવેએ પીપલાદ સ્થિત એસવીએનઆઈટી કોલેજમાં સિવિલ એન્જેનિયરિંગનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન શુક્રવારે સાંડે સાડા ચારે વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થિનીએ દેવાંશીનાં રૂમનો દરવાજો અડધો ખુલ્લો જોઇ અંદર ગઇ હતી. પરંતુ અંદરનું દ્રશ્ય જોતાં તે હેબતાઇ ગઇ હતી. રૂમમાં દેવાંશીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે બાદ અન્ય વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં તમામ લોકોને આ અંગે જાણ થઇ હતી. જે બાદ ઉમરા પોલીસને જાણ કરવામાં આવતા તે તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગઇ હતી.
ઉત્તરાયણની રજાઓમાં ગઇ હતી ઘરે
મળતી માહિતી પ્રમાણે, દેવાંશી પાલવે શાંત સ્વભાવની હતી. દેવાંશી ઉતરાયણની રજાઓમાં ઘરે ગઈ હતી. તે ચાર દિવસ પહેલા જ ઘરેથી રજા પૂરી કરી ફરી સુરત આવી હતી. સુરતમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ અધિકારી સહિત શી ટીમ અને સમાજ કલ્યાણની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ઘટના સાથે પહોંચી તપાસ શરૂ કરી હતી. દરમિયાન યુવતીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.
છેલ્લે મિત્ર કરણને ડ્રોપ લેવાની કરી હતી વાત
દેવાંશીએ અગાઉ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં મેથ્સનું પેપર નહોતું આપ્યું. જે અંગેની રજાચિઠ્ઠી પોલીસને મળી છે. તેમાં લખ્યું હતું કે, મારી તબિયત સારી ન હોવાથી પેપર નથી આપી શકી તો ફરીથી આપવા દેવામાં આવે. જે અંગેની ટેલિફોનિક વાત પણ તેના મિત્રને કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતુ કે, દેવાંશીએ તેની સાથે બાળપણથી અભ્યાસ કરતા અને હાલ બારડોલીની કોલેજમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા મિત્ર કરણ ગાવીત સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેણે એક વર્ષનો ડ્રોપ લેવાની વાત કરી હતી.
મમ્મી સાથે પણ કરી હતી વાત
આ પહેલા દેવાંશીએ તેની માતા સાથે પણ વાત કરી હતી. જે બાદ તે હોસ્ટેલનાં રૂમમાં ગઇ હતી. પ્રાથમિક અનુમાન પ્રમાણે, વિદ્યાર્થિનીએ અભ્યાસનાં તણાવને કારણે આ અંતિમ પલગું ભર્યું છે. ઘટના સ્થળે પહોંચીને પોલીસે ગળે ફાંસો ખાધેલ વિદ્યાર્થીનીના મૃતદેને નીચે ઉતાર્યો હતો. આસપાસની વિદ્યાર્થીનીઓની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે ઘટના અંગે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે હાલ તો વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.