સુરત: નાનપુરામાં રસ્તા ઉપર વાહન પાર્કિંગને લઇને રંગુની પરિવાર અને મીંડી ગેંગ વચ્ચે મારામારી બાદ ધરપકડ કરાયેલાં કોંગ્રેસી કાર્યકર અઠવા પોલીસ મથકના ડી'સ્ટાફ ઓફિસમાં મિજબાની માણતો વિડીયો વાયરલ થયો હતો. જોકે, આ વીડિયો ધરપકડ બાદનો જ છે તેવું News18 ગુજરાતી પુષ્ટી નથી કરતું. ધરપકડ કરાઇ હોવા છતાં લોકઅપને બદલે એક રૂમમાં ખાણીપીણી સાથે હસી મજાક કરી રહેલાં આ આરોપીઓના વાયરલ વિડીયોએ વિવાદ જગાવ્યો છે.
અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગના ગુનાના આરોપીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં આરોપી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફની ઓફિસમાં મિજબાની કરવા બેઠા હોય તેવી રીતે બિનધાસ્ત બેસી જમવાની તૈયારી કરે છે. એટલું જ નહિ મોબાઇલ પર વિડીયો ઉતારતી વેળા એક યુવક તો ડાન્સ કરતો નજરે પડે છે. જયારે અન્ય એક યુવક ખુરશી પર બેસી હાથથી વિક્ટીની સાઇન બતાવે છે. આ વિડીયોને કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે.
તમને જણાવી દઈએ કે, અઠવાલાઇન્સ પોલીસ હદમાં 3 દિવસ પહેલા બાઇક હટાવવાની બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં પોલીસે સામ-સામી ફરિયાદ લઈ બંને જૂથના 30થી વધુ સામે ગુનો નોંધી યુથ કોંગ્રેસીની ધરપકડ કરી હતી. પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરી ધરપકડ પણ કરી છતાં પોલીસની ચૂક એટલી છે કે, આરોપી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી હોય તો તે વિડીયો કેવી રીતે ઉતારી શકે.
સુરત : એક જ કોમના બે ટોળા વચ્ચે હથિયારો સાથે મારા મારી, વિસ્તારમાં ભયનો માહોલ, CCTV Video pic.twitter.com/a8sxq0rG29
આ બાબતે પીઆઈ કોરાટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. બન્ને પક્ષોના 17 લોકોની ધરપકડ કરી છે. સ્વાભાવિક રીતે બન્ને પક્ષોને સાથે બેસાડી શકાય નહિ એટલે અમે એક ગેંગને ડીસ્ટાફની ઓફિસમાં અને બીજી ગેંગને નીચે બેસાડી હતી.
ઉલ્લેખનીય છે કે, નાનપુરાના ખંડેરાવપુરા વિસ્તારમાં કોંગ્રેસ યુવા મોરચાના મહામંત્રીના પરિવાર સાથે આરીફ મીંડી ગેંગ બાખડી પડી હતી. રસ્તા ઉપર બાઈક પાર્ક કરવાના મુદ્દે મીંડી ગેંગે તલવાર અને કાચની બોટલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પુરા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.