Surat marriage function: સુનીલના મિત્રોએ જણાવ્યું કે, ડીજેના તાલે બધા નાચી રહ્યા હતા. આ દરમિયાન સુનીલ નાચતાં નાચતાં બાકડા પર બેસી ગયો હતો. જે બાદમાં તેને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સુરત: મોત ક્યારે અને કયા બહાને આવે તેનો કોઈ અંદાજ લગાવી શકાય નહીં. અનેક વખત શુભ પ્રસંગ વખતે જ કોઈના નિધનથી માતમ છવાતો હોય છે. આવો જ એક બનાવ સુરત જિલ્લા (Surat district)ના ઓલપાડ તાલુકાના એક ગામ ખાતે બન્યો છે. અહીં એક લગ્ન પ્રસંગ (Marriage) ચાલી રહ્યો હતો ત્યારે જ કન્યાના પિતરાઈનું નિધન થયું હતું. પિતરાઈ બહેનના લગ્નમાં ભાઈ નાચી રહ્યો હતો ત્યારે જ તે ઢળી પડ્યો હતો. આ બનાવ બાદ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય સુરત જિલ્લામાં બે અઠવાડિયા પહેલા આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં વરરાજાનું નિધન થયું હતું.
કનાજ ગામનો બનાવ
મળતી માહિતી પ્રમાણે ઓલપાડ તાલુકાના કનાજ ગામ (Kanaj village) ખાતે એક યુવતીના લગ્ન લેવાયા હતા. આ દરમિયાન તમામ લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. કન્યાનો 19 વર્ષીય પિતરાઈ ભાઈ પણ ડીજેના તાલે નાચી રહ્યો હતો. આ દરમિયાન તેનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું.
ડીજેના તાલે નાચતાં નાચતાં નીચે બેસી ગયો
મળતી માહિતી પ્રમાણે 19 વર્ષીય સુનીલ પોતાના માતાપિતાના નિધન બાદ મોટાભાઈ સાથે રહેતો હતો. પરિવાર ખેત મજૂરી કરતો હતો. સુનીલ મજૂરી કરીને તેના ભાઈને આર્થિક મદદ કરતો હતો. લગ્ન પ્રસંગમાં સુનીલના નિધનથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.
સુનીલના મિત્રોએ જણાવ્યું કે, ડીજેના તાલે બધા નાચી રહ્યા હતા. આ દરમિયાન સુનીલ નાચતાં નાચતાં બાકડા પર બેસી ગયો હતો. જે બાદમાં તેને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલે ફરજ પર હાજર ડૉક્ટરોએ સુનીલનું પ્રાણ પંખેરું ઉડી ગણાનું જણાવ્યું હતું.
સારવાર મળે તે પહેલા જ નિધન
એવી પણ માહિતી મળી છે કે સુનીલને છાતીમાં દુખાવો ઉપડતા 108ને ફોન કરવામાં આવ્યો હતો. જોકે, 108ને આવવામાં મોડું થવાનું કહેવામાં આવતા તેને ખાનગી વાહનમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હૉસ્પિટલ પહોંચીને કોઈ સારવાર મળે તે પહેલા જ સુનીલનું નિધન થઈ ગયું હતું.
આ રીતે જ્યાં લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા ત્યાં કન્યાના પિતરાઈ ભાઈના નિધન બાદ મરશીયા ગાવાનો વારો આવ્યો હતો. સુરતમાં બે અઠવાડિયા પહેલા આવો જ એક બનાવ બન્યો હતો. જ્યાં લગ્નમાં નાચતાં નાચતાં વરરાજાનું નિધન થયું હતું.
સુરતજિલ્લાના માંડવી (Mandavi) તાલુકાના અરેઠ ગામ બે અઠવાડિયા પહેલા આવો જ એક બનાવ બન્યો હતો. ગામમાં ચૌધરી પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. મિતેશ ચૌધરી (Mitesh Chaudhry) નામના યુવકની જાન જવાની હતી. રાતે ડીજે સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વરરાજા તેના મિત્રો સાથે નાચી રહ્યા હતા. દરમિયાન વરરાજા મિતેશને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં વરરાજાનું (Groom death) સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.