Home /News /surat /Bardoli Crime News: બારડોલીના કામરેજના ઉંભેળ લૂંટના વધુ ત્રણ લૂંટારા રાજસ્થાનથી ઝડપાયા, 5.65 લાખનો મુદામાલ કબ્જે
Bardoli Crime News: બારડોલીના કામરેજના ઉંભેળ લૂંટના વધુ ત્રણ લૂંટારા રાજસ્થાનથી ઝડપાયા, 5.65 લાખનો મુદામાલ કબ્જે
ચારેય આરોપીની તસવીર
Bardoli News: લૂંટની ઘટના બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને એક આરોપીને પહેલા ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીના નામ ખૂલતા કામરેજ પોલીસે રાજેસ્થાનથી વધુ ત્રણ લૂંટારાને ઝડપી પાડ્યા હતા.
કેતન પટેલ, બારડોલીઃ કામરેજના ઉંભેળ ગામ નજીક 2 ફેબ્રુઆરીએ લૂંટની ઘટના બની હતી. ત્યારે હિન્દી ભાષી લૂંટારાઓએ કલરકામ અને ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા ઈસમને ફાર્મ હાઉસ પર બોલાવી બંધક બનાવી કાર, રોકડની લૂંટ ચલાવી હતી. જો કે, લૂંટની ઘટના બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને એક આરોપીને પહેલા ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીના નામ ખૂલતા કામરેજ પોલીસે રાજેસ્થાનની વાટ પકડી હતી અને રાજસ્થાની વધુ ત્રણ લૂંટારાને ઝડપી પાડ્યા હતા.
આ લૂંટારાઓએ કામરેજના ઉંભેળ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને બોલાવી તેને પિસ્તોલ બતાવી અને ધમકાવીને લૂંટ ચલાવી હતી. લૂંટને અંજામ આપી લૂંટારા રાજસ્થાન ભાગી ગયા હતા. તેમાંથી તેજશ નામનો આરોપી ઝડપાઈ જતા આખી લૂંટને અંજામ આપનાર ગેંગ બેનકાબ થઈ ગઈ હતી.
કામરેજ પોલીસે પકડાયેલા આરોપીના નામ ખૂલ્યાં બાદ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી અને રાજસ્થાન પોલીસની મદદથી આરોપી કમલેશ જાટ, જીતેન્દ્ર રાઠોડ, રાહુલ રાજપૂત એમ ત્રણ લૂંટારા ઝડપાઈ ગયા હતા. પોલીસે ત્રણેય લૂંટારાનો કબ્જો લઈ તમામ આરોપીને કામરેજ લાવી તેમની પાસેથી કાર સહિત 5.65 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોપારી આપી હોવાનું લૂંટારાઓએ કહ્યું
આરોપીઓએ જણાવ્યું હતું કે, કામની લાલચમાં જે.બી. ફાર્મમાં પહોંચેલા ફરિયાદીને બંધક બનાવીને પિસ્તોલ બતાવી હતી અને પછી કહ્યુ તારી સોપારી આપી છે. ત્યારબાદ કલરકામ-ફર્નિચરના વેપારીને બંધક બનાવી બ્રેઝા કાર, એટીએમકાર્ડ સહિત ડોક્યુમેન્ટ્સની લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટના બાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે સીસીટીવી કેમેરા સહિત બાતમીદારોને એક્ટિવ કરી તેજસ નામના લૂંટારાના ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ અન્ય ત્રણ લૂંટનારા લોકોના નામ ખૂલ્યા હતા. ત્યારબાદ પોલીસે રાજસ્થાનથી લૂંટારાને ઝડપ્યા હતા. તેમની પાસેથી પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ મળી કુલ 5.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.