સુરત: આજે સુરતમાં બાબા બાગેશ્વરનો કાર્યક્રમ છે. આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા છે. દરબારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે, ત્યારે સુરતમાં આગમન સાથે જ પ્રજાના પ્રેમને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જય દ્વારકાધીશ, જય બાગેશ્વર ધામ કહીને જણાવ્યું કે, ખૂબ જ અદભુત છે. સુરતના તમામ પાગલોને સાધુવાદ, બાગેશ્વર બાલાજીની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી સ્વાગત
ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા. માતા કિરણ પેટલે ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. તેવામાં આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા અને ભભૂતી વિતરણ કરાશે.
બાબાએ સુરતના ગોપીન ફાર્મમાં રાત્રિ રોકાણ કર્યું હતું. સાથે જ દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના અધિકારીઓ પણ દેખરેખ રાખશે.