Home /News /surat /સુરત: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો, માથું ફોડી નાખ્યું

સુરત: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો, માથું ફોડી નાખ્યું

મનોજ સોરઠીયા (ફાઇલ તસવીર)

Gujarat Assembly Election 2022: આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલાની ઘટનાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વખોડી કાઢી. સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દોષિતોને સજા અપાવવા માટે અપીલ કરી છે.

સુરત: સુરત ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં મનોજ સોરઠીયા પર હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ હુમલો કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે લોખંડની પાઇપથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અને નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દોષિતોને સજા અપાવવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અપીલ કરી છે.

અરવિંદ કેજરીવાલનું ટ્વીટ


અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ રીતે વિપક્ષના લોકો પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવો એ વાત ગુજરાતની સંસ્કૃતિથી વિરુદ્ધ છે. લોકો તેને પસંદ નથી કરતા, હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે, દોષિતોને કડકમાં કડક સજા અપાવે અને તમામનું રક્ષણ કરે."

આપ 'ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ શરૂ કરશે


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવા કમર કસી છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ મોકો છોડવા માંગતી નથી. આ જ કડીમાં અરવિંદ કેજરીવાલ પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.બીજી સપ્ટેમ્બરના રોજ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન શરૂ કરશે.



આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને ગેરંટીઓ આપી છે. આ તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે, એક એક ઘર સુધી પહોંચે, તેના માટે એક મહાઅભિયાન ચાલુ કરવામાં આવશે. જેનું નામ ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ છે. ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ થશે, જેમાં સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે.
" isDesktop="true" id="1244783" >

શું છે ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન?


ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે. જેમાં રજીસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડનો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર અને તેની કઈ વિધાનસભા છે તેનું રજીસ્ટ્રેશન થશે. દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે. જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે. આમ ગેરંટી કાર્ડ આપી એક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.
First published:

Tags: Gujarat Assembly Election 2022, અરવિંદ કેજરીવાલ, આપ