Home /News /surat /ફિલીપાઈન્સની લાડીને વરાછાનો વર: કાછડીયા પરિવારે અનોખા લગ્ન-પ્રસંગને બનાવ્યો મતદાન જાગૃત્તિનો અવસર

ફિલીપાઈન્સની લાડીને વરાછાનો વર: કાછડીયા પરિવારે અનોખા લગ્ન-પ્રસંગને બનાવ્યો મતદાન જાગૃત્તિનો અવસર

મહેમાનોએ ‘પહેલા મતદાન, બાદમાં જલપાન’ના સંકલ્પ સાથે દેશી-વિદેશી વરકન્યાની જોડીને આશીર્વાદ આપ્યા હતાં.

મહેમાનોએ ‘પહેલા મતદાન, બાદમાં જલપાન’ના સંકલ્પ સાથે દેશી-વિદેશી વરકન્યાની જોડીને આશીર્વાદ આપ્યા હતાં અને લોકશાહીના પર્વની ઉજવણી પણ આવા જ ઉત્સાહથી કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકો સ્વયંભૂ જાગૃત્ત બની રહ્યા છે. હાલ લગ્નસરા ચાલી રહી છે, ત્યારે લગ્નના અવસરને પણ જાગૃત્ત નાગરિકો મતદાન જાગૃત્તિનું માધ્યમ બનાવી રહ્યા છે. ગત રોજ સુરતનો દિવ્યાંગ યુવક વિદેશી યુવતી સાથે લગ્નબંધનમાં બંધાયો ત્યારે તેના જાગૃત્ત પરિવારે આ શુભપ્રસંગને યાદગાર બનાવવા મહેમાનોને વિધાનસભા ચૂંટણીમાં અચૂક મતદાન માટે સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. હાલ લગ્નની ઉજવણીની સાથોસાથ લોકો લોકશાહીના પર્વની પણ ઉજવણી કરે એ માટેના કાછડીયા પરિવારના ઉમદા પ્રયાસની સૌ મહેમાનોએ સરાહના કરી હતી.

મહેમાનોએ ‘પહેલા મતદાન, બાદમાં જલપાન’ના સંકલ્પ સાથે દેશી-વિદેશી વરકન્યાની જોડીને આશીર્વાદ આપ્યા હતાં અને લોકશાહીના પર્વની ઉજવણી પણ આવા જ ઉત્સાહથી કરવા સંકલ્પબદ્ધ થયા હતા.સુરતના યોગીચોક વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના વતની છે. 43 વર્ષીય કલ્પેશભાઈ જન્મથી બન્ને પગથી દિવ્યાંગ છે, અને છેલ્લા આઠ વર્ષથી યોગી ચોક વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. સુરતના નાના વરાછા ખાતે આવેલા હરેકૃષ્ણ ફાર્મમાં ગત રોજ રાત્રિ દરમિયાન કલ્પેશભાઈના આ અનોખા લગ્નના સાક્ષી બનવા માટે છેક સૌરાષ્ટ્રથી સગાસંબંધીઓ આવ્યાં હતાં.કલ્પેશભાઈ જણાવે છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલીપાઈન્સની રેબેકા ફાયો સાથે પરિચય થયો હતો અને હું દિવ્યાંગ હોવા છતાં લગ્નના બંધનમાં બંધાવાનો તેણે નિર્ણય કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી વાતચીત અને સંપર્ક બાદ રેબેકા લગ્ન માટે સુરત આવી હતી. અમારા પરિવારે આ યુનિક લગ્નને વધુ યુનિક બનાવવા અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી નક્કી કર્યું કે લગ્નમાં આવનાર તમામ મહેમાનોને અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લેવડાવીશું. અમને ભેટ કે ચાંદલો ન આપો તો ચાલશે પણ સૌ આ ચૂંટણીમાં મતદાન અચૂક રીતે કરે એવો આગ્રહ રાખ્યો હતો.

આ પણ વાંચો: કિર્તીદાનના ડાયરાથી ખ્યાતિ મેળવનાર કમાભાઇ ભાજપ માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા

ધો.10 સુધીનો અભ્યાસ કરનાર કલ્પેશભાઈ કહે છે કે, અમે સપ્તપદીના ફેરા ફરતા પહેલા મતદાન માટે જાગૃત્ત બનવા અને આગામી તા.1લી અને ૫મી ડિસેમ્બરે મતદાન કરવા સંકલ્પ ગ્રહણ કરાવ્યા એ પહેલને સૌ મહેમાનોએ પણ વધાવી લીધી હતી અને સૌ ઉત્સાહથી શપથમાં જોડાયા હતા. અમે રાજ્યમાં યોજાતી મહત્તમ ચૂંટણીઓમાં સપરિવાર મત આપીને લોકશાહીની ફરજ બજાવીએ છીએ. આપણા એક એક મતનું મૂલ્ય આંકી ન શકાય એટલું અમૂલ્ય છે, લોકશાહીમાં મતાધિકારને ક્યારેય વેડફવો ન જોઈએ. ગ્રામ પંચાયત, વિધાનસભા, લોકસભા જેવી કોઈપણ ચૂંટણીમાં અચૂક મતદાન કરવું એ સભ્ય નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે.

આ પણ વાંચો : પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચામાં

રેબેકા ફાયોએ ફિલીપાઈન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેના પતિનું એક અકસ્માતમાં અવસાન થયું હતું. સાત વર્ષનો દીકરો અને પરિવારજનો હાલ વિઝા ન મળવાથી સુરત ખાતે આ લગ્નસમારોહમાં સહભાગી થઈ શક્યા ન હતા. રેબેકા ફાયોએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું ભારતીય સંસ્કૃતિ, રહેણીકરણી, અહીંના પ્રેમાળ લોકો લોકોથી ખૂબ પ્રભાવિત થઈ છું. મને ખ્યાલ છે કે ચૂંટણીનું કોઈ પણ દેશ અને રાજ્યમાં ખૂબ મહત્વ હોય છે. સૌ ગુજરાતીઓ ઉત્સાહભેર મતદાન કરે એવો મારો પણ ખાસ આગ્રહ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarat surat, Latest gujarati news Surat, Surat City, ગુજરાત, સુરત

विज्ञापन
विज्ञापन