સુરત: ગુજરાત સરકારના આદેશ બાદ ગુજરાતની પોલીસે વ્યાજખોરો સામે મુહિમ શરૂ કરી દીધી છે, ત્યારે વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટેલા લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે સુરત પોલીસે લોન મેળાનું આયોજન કર્યું છે. એક જ જગ્યા પર નવ જેટલી બેંકોને એકત્ર કરી લોકોને સરળતાથી લોન મળી રહે અને વ્યાજખોરોના ચુંગાલમાં ફરીથી ના ફસાય તે પ્રકારનો પ્રયાસ શરૂ કરાયો છે.
વ્યાજખોરો તગડું વ્યાજ વસૂલી લોહી ચૂસવાનું કામ કરતા
ગુજરાત સરકારે વ્યાજખોરો સામે એક મુહીમ શરૂ કરી છે. જેમાં વ્યાજખોરો સામાન્ય વ્યક્તિ પાસે તગડું વ્યાજ વસૂલી તેમનું લોહી ચૂસવાનું કામ કરતા હતા. આવા વ્યાજખોરોને ગુજરાત પોલીસે પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાની શરૂઆત કરી છે. આવા વ્યાજખોરો સામાન્ય વ્યક્તિઓને વ્યાજે પૈસા આપતાં હતા કે જેમને બેંક લોન ન મળતી હોય અથવા જેમની પાસે ડોક્યુમેન્ટ ન હોય, તેવા વ્યક્તિઓને રૂપિયા આપી તેમનું શોષણ કરતા હતા.
આ સાથે જ જો સામાન્ય વ્યક્તિને પૈસાની જરૂર પડે તો તેઓ શું કરશે? તે વિચારવાની શરૂઆત સુરત પોલીસે કરી છે. સામાન્ય વ્યક્તિઓને લોન મળી રહે તે હેતુસર એક જ જગ્યા પર નવ જેટલી બેંકોને એકત્ર કરી જરૂરિયાતમંદ લોકોને અહીંયા બોલાવી તેમને લોનની જાણકારી આપવાનું શરૂ કરાયું છે. સાથે જરૂરી ડોક્યુમેન્ટ અવેલેબલ કરાવી, જરૂર પડે ત્યારે પોલીસ કર્મચારીઓ તેમને ફોર્મ ભરી આપી તેમને સરળતાથી લોન મળે તે પ્રકારના પ્રયાસ કરાઇ રહ્યા છે.
સુરત પોલીસનો સુંદર પ્રયાસ
સામાન્ય લોકો વ્યાજખોરોના ચુંગાલમાં ન ફસાય તે પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે-સાથે તેમને જરૂરિયાતની તમામ વસ્તુઓ અવેલેબલ થાય તે પ્રકારનો પ્રયાસ પણ પોલીસે કર્યો છે. સુરતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જરૂરિયાતમંદ લોકોને પોલીસ એકત્ર કરી આ જગ્યા પર લાવે છે અને તેમને જરૂરી મદદ આપી તેમને સરળતાથી લોન મળી રહે તે પ્રકારનો સુંદર પ્રયાસ ગુજરાતમાં સૌથી પહેલા સુરત પોલીસે શરૂ કર્યો છે.