સુરત: સુરત પોલીસ દ્વારા કોલ મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જતી હોય છે અને લોકોના જીવ બચાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે સુરતની ચોક બજાર પોલીસને કોલ મળતાની સાથે તાપી નદીમાં ડૂબતા એક વૃદ્ધનો જીવ બચાવવામાં સફળતા મળી છે. જોકે પોલીસ જવાને પોતાના જીવના જોખમે વૃદ્ધનો જીવ બચાવી પોલીસ વિભાગમાં પ્રશંસાને પાત્ર બન્યા છે.
ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી સમયમાં છઠ્ઠ પૂજાની લઈ આ વિસ્તારમાં પોલીસનો ગંદોબસ્ત હતો ત્યારે એક વ્યક્તિ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીંગણપુર-કોઝવેના પાટા પરથી તાપી નદીમાં અચાનક કૂદતો હોવાનો કોલ સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને આપ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ચોક બજારની પીસીઆર નંબર 30ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ભુરજીભાઈને આપ્યો હતો.
સાંજે 4:15 મિનિટે મળેલા કોલને ધ્યાનમાં રાખી આ પોલીસ કર્મચારી તાત્કાલિક મદદની જરૂર હોવાને લઈને જે જગ્યાનું લોકેશન આપવામાં આવ્યું હતું ત્યાં પહોંચી ગયો હતો. પહોંચીને ત્યાં જોયું હતું ત્યારે એક વ્યક્તિ તાપી નદીના પાણીમાં ડૂબતો હતો. તેની ઉંમર અંદાજિત 50 થી 60 વર્ષ હતી. વૃદ્ધને બચાવવા માટે આ પીસીઆર વાન પર ફરજ બજાવતા ચિંતનભાઈ જયંતીકુમાર નામના યુવકે તાત્કાલિક તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. રાહુલભાઈએ તાત્કાલિક ચિંતનભાઈની મદદ કરી આ વૃદ્ધને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
આમ પોલીસ કર્મચારીની સમય સૂચકતા અને પોતાના જીવની પરવા કર્યા વગર તાપી નદીમાં ઝંપ લાવી એક વ્યક્તિનો જીવ બચાવતા ચોક બજાર પોલીસ પ્રશંસા પાત્ર બની છે. તાપી નદીમાં જે વ્યક્તિ ડૂબતો હતો. તેનું નામ હિતેશભાઈ સાચે કે જોલી રેસિડેન્સી ખાતે રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.