કિર્તેશ પટેલ, સુરત : શરાબ અને શબાબના શોખીનો અવાર નવાર ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાતે જતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્રની પોલીસે કરેલી કાર્યવાહીમાં સુરતના કુલ 22 જેટલા લોકોની રેવ પાર્ટી, અશ્લીલ ડાન્સ પાર્ટી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં સુરતના નવ બિલ્ડરોનો સમાવેશ થાય છે. પોલીસે તમામની ધરપકડ કરી તેમના જામીન પર મુક્ત કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના નવ જેટલા બિલ્ડરો મહારાષ્ટ્રમાં આઠ જેટલી બાર ગર્લ્સ સાથે ઝડપાયા છે. પાલઘરના અચ્છાડ ખાતે આવેલા ગ્રીન પાર્ક ક્લબ રિસોર્ટમાં તલાસરી પોલીસે કાર્યવાહી દરમિયાન તમામ લોકોની ધરપકડ કરી હતી.
આ લોકો હોટલની બાજુમાં બંગલો ભાડે રાખી દારૂની પાર્ટી અને બાર ગર્લ્સ પર રૂપિયા ઉડાવવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રીન પાર્ક હોટલ અને બંગલામાં બાર ગર્લ્સ લાવી અશ્લીલ કૃત્ય અને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અશ્લીલ પાર્ટીનું આયોજન કરનાર કરનારા ભિલાડના નિપમ શાહ અને તેના સાગરીત હસન ખાનની પણ પોલીસે ધરપકડ કરી છે. હોટલ અને બંગલા ખાતે રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે અહીં દરોડાં કર્યાં હતા.