Home /News /surat /સુરતમાં રખડતા કૂતરાંનો આતંકઃ 2 વર્ષના બાળકને 40થી વધારે બચકાં ભર્યા, હાલત ગંભીર
સુરતમાં રખડતા કૂતરાંનો આતંકઃ 2 વર્ષના બાળકને 40થી વધારે બચકાં ભર્યા, હાલત ગંભીર
સુરતમાં 2 વર્ષના બાળકને કૂતરાએ 40 જેટલા બચકાં ભર્યા
સુરતમાં ફરી એક કૂતરા દ્વારા બાળકને બચકાં ભર્યાની ઘટના સામે આવી છે. આ વખતે શહેરના છેવાડે આવેલા ખજોદ ગામ પાસેના વિસ્તારમાં બની છે. ફરી એકવાર કૂતરાંના આતંકના કારણે જે પરિવારોમાં નાના બાળકો છે ત્યાં માતા-પિતાને સતત પોતાના બાળકોની ચિંતા સતાવી રહી છે.
સુરતઃ સુરતમાં વધુ એક શ્વાનના હુમલાની ઘટના બની છે, આ વખતે એક બાળક પર કૂતરાએ હુમલો કરી દેતા તેની હાલત ગંભીર છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના શહેરના છેવાડે આવેલા ખજોદ ગામ પાસેના વિસ્તારમાં બની છે. બાળકને શરીરના અલગ-અલગ ભાગ પર બચકાં ભરી લીધા છે. મજૂરના બે વર્ષના પુત્ર પર કૂતરાએ હુમલો કર્યો હતો. બાળકના શરીર પર 40થી વધારે બચકાં ભરી લેવામાં આવ્યા હતા. બાળકને ગંભીર અવસ્થામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યા છે.
સુરતમાં સતત શ્વાનનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે, સતત કૂતરાં દ્વારા નાના બાળકો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા કૂતરાની સંખ્યા ઓછી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં સ્થિતિ ગંભીર બની રહી છે. વારંવાર બનતી ઘટનાના કારણે સુરતમાં જે પરિવારોમાં નાના બાળકો હોય અને ગલીમાં કૂતરાં રખડતા હોય તેમને સતત ચિંતા થઈ રહી છે. હોસ્પિટલમાં પણ બાળકની ચીસો સાંભળીને અને તેની સ્થિતિ જોઈને લોકોની આંખો ભરાઈ આવી હતી.
મજૂરનું બે વર્ષનું બાળક ખુલ્લી જગ્યામાં રમતું હતું તે દરમિયાન શ્વાન દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં કૂતરાએ બાળકને 40 જેટલી જગ્યા પર બચકાં ભરી લેતા તેને ગંભીર અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.
બાળકની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકીત થઈ ગયા હતા અને તાત્કાલિક બાળકને સારવાર હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં આપવાનું શરુ કરાયું હતું. બાળકના માથામાં અને લીવર આતરડા સહિતના જગ્યા પર શ્વાન દ્વારા કરડવાના કારણે બાળકની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે એક જ મહિનામાં રખડતા કૂતરાં કરડવાની આ ત્રીજી ઘટના સામે આવી છે.