Home /News /surat /ફેફસાના દાનની 16મી ઘટના; એક જ દિવસે થયા બે અંગદાન, 10 વ્યક્તિઓને મળ્યું નવું જીવન

ફેફસાના દાનની 16મી ઘટના; એક જ દિવસે થયા બે અંગદાન, 10 વ્યક્તિઓને મળ્યું નવું જીવન

માનવતાની મહેક

Surat Organ Donation: સુરતમાં એક જ દિવસે બે અંગદાન અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યાં. જેને કારણે 10 વ્યક્તિઓને નવુ જીવન મળ્યું. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1101 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
સુરત: સુરતમાં એક જ દિવસે બે અંગદાન અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યાં. જેને કારણે 10 વ્યક્તિઓને નવુ જીવન મળ્યું. પ્રજાપતિ સમાજના બ્રેઈનડેડ જયેશ ઠાકોરભાઈ પ્રજાપતિ ઉ.વ 42ના પરિવારે જયેશભાઈના ફેફસા, લિવર,  કિડની અને ચક્ષુઓ તેમજ લેઉવા પટેલ સમાજના બ્રેઈન ડેડ સતીષભાઈ ભોગીલાલ પટેલ ઉ.વ. 56ના પરિવારે સતીષભાઈના લિવર, કિડની, અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરી 10 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી


અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલથી રોડ માર્ગે સુરત એરપોર્ટ અને સુરત એરપોર્ટથી હવાઈ માર્ગે હૈદરાબાદ સુધીનું 986 કિમીનું અંતર 200 મિનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જયપુર રાજસ્થાનની રહેવાસી 34 વર્ષીય મહિલામાં હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

આ પણ વાંચો: છૂટક મજૂરી કરતો પતિ બન્યો હેવાન, પત્નીના ચરિત્ર ઉપર શંકા રાખીને કરી નાખ્યું આવું કૃત્ય

જયેશ માંડવીમાં મેકેનીક તરીકે કાર્ય કરતો હતો


મોટા કુંભારવાડ ખુટાઈ માતાના મંદીર પાસે માંડવી મુકામે રહેતો જયેશ માંડવીમાં હેવી વાહનનાં મેકેનીક તરીકે કાર્ય કરતો હતો. જયેશને લઘુશંકા  લાગતાં તે ઝુંપડાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ગયો હતો. ત્યાં અકસ્માતે પગ લપસી જતાં તે 12 ફૂટ નીચે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલીક ડેડીયાપાડામાં આવેલ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. બુધવાર તારીખ 22 માર્ચના રોજ ડોક્ટરે તેને બ્રેનડેડ જાહેર કર્યા.

આ પણ વાંચો: સાણંદમાં યોજાઈ ક્રાંતિ યાત્રા, 3 યુવાનોએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના ડ્રેસિંગમાં આકર્ષણ જમાવ્યું

મારો ભાઈ ખૂબ જ ધાર્મિક હતો


જયેશના ભાઈ રમણભાઈએ જણાવ્યું કે, મારો ભાઈ ખૂબ જ ધાર્મિક હતો. અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. અમે અમારા પરિવારનો જીવન નિર્વાહ મોટરકાર અને ટુ વ્હિલરનું રીપેરીંગનું કાર્ય કરીને કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. આજે મારો ભાઈ બ્રેઈનડેડ છે, શરીર બળીને રાખ જ થઈ જવાનું છે. ત્યારે તેના અંગોના દાન થકી અંગો નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો, આપ અંગદાન માટે આગળ વધો. જયેશના પરિવારમાં તેની વૃદ્ધ માતા લિલાબેન અને બે ભાઈ રમણભાઈ અને શંકરભાઈ છે.

અકસ્માતે મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી


કતારગામ જીઆઈડીસીમાં વણાટ ખાતામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સતીષભાઈ બપોરે મોટરસાયકલ પર જમવા માટે ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ગજેરા સર્કલ જલારામ ખમણ પાસે અકસ્માતે મોટરસાયકલ સ્લીપ થઇ જતા, તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતાં. તેમને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તારીખ 22 માર્ચના રોજ ડોક્ટરોએ સતીષભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

બંન્ને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો, SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. કિડની અમદાવાદની હોસ્પિટલ અને બરોડાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી. ગુજરાતમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. ફેફસાનું દાન હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલનાં ડો. મહેશ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ. અંકુર વાગડીયા અને તેમની ટીમે, બીજા લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલનાં ડો. રવી મોહનકા અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન જી.સી.નાહર રોટરી આઈ બેંક સંચાલીત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલનાં ડો.અંજનાબેન ચૌહાણ અને કિરણ હોસ્પિટલના ડો.સંકિત શાહે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલા બે લિવરમાંથી એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં અમદાવાદની રહેવાસી 64 વર્ષીય મહિલામાં, બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કેશોદ-જુનાગઢના રહેવાસી 52 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી 4 કિડનીઓમાંથી બે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પીટલમાં, એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં કરવામાં આવશે. જ્યારે એક કિડની ખરાબ થઈ ગઈ હોવાને કારણે તેનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું ન હતું.

ફેફસા સમયસર હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલ પહોચાડવા માટે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ભરૂચ જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય અને  સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. લિવર અને કિડની સમયસર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પહોંચાડવા માટે ભરૂચ જીલ્લા પોલીસ, બરોડા ગ્રામ્ય પોલીસ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.
Published by:Vimal Prajapati
First published:

Tags: Organ donation, Surat news, Surat Organ Donation