PM મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે જ જન્મેલા 1221 લોકોને દેશભરથી સુરત ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ 1221 કેક વિતરણ સહિતનો કાર્યક્રમ સરથાણા કન્વેન્શન હોલમાં 17મીએ એ સાંજે 5 થી 8 દરમિયાન યોજાશે. ઈવેન્ટ ઓર્ગેનાઇઝર અતુલ બેકરીના અતુલ વેકરિયાએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરે જન્મેલા લોકોને બોલાવી ઉજવણી કરાશે. કાર્યક્રમમાં સીએમ રૂપાણી અને ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત નેતાઓને આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, ગુજરાતી મૂવીના કલાકારો પણ ઉપસ્થિત રહેશે.
અતુલ વેકરિયાએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવ્યું છે. બહારથી આવનારને ટ્રાવેલિંગ અને જમવાનો ખર્ચ આપવામાં આવશે. ઈવેન્ટના દિવસે 17મીએ 3 વાગ્યા સુધી પણ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. અત્યાર સુધીમાં 500 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. 1221 નો ટાર્ગેટ છે. આ તમામ લોકોને એક કિલોની એક-એક કેક આપવામાં આવશે તેઓ પોતાના ગ્રુપ-પરિવાર સાથે તે કેકની ત્યાં ઉજવણી કરી શકશે.
17 સપ્ટેમ્બરે જન્મેલા દેશભરમાંથી આવનારા લોકોનાં અલગ-અલગ ગ્રુપ હશે.તેમાં, એક ગ્રુપ જેમાં નરેન્દ્ર નામ હશે તેનું હશે. બીજું ગ્રુપ દિવ્યાંગ હોય તેઓનું હશે, ત્રીજુ ગ્રુપ દીકરી હોય તેઓનું હશે, ચોથુ ગ્રુપ વડીલોનું રખાશે. આમ થીમ બેઝ પર અલગ-અલગ 20 ગ્રુપ બનાવવામાં આવશે.
નેધરલેન્ડમાં એક સાથે એક સમયે 221 લોકોએ એક સાથે જન્મ દિવસ સેલિબ્રેટ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં 1221 લોકો એક સાથે જન્મ દિવસ સેલિબ્રેટ કરી નવો રેકોર્ડ નોંધાવશે.