ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે જીતનો સિલસિલો સતત ચાલુ છે. ટીમ માટે સેમીફાઇનલનો માર્ગ સરળ લાગી રહ્યો છે, પરંતુ અફઘાનિસ્તાનની વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની બેટિંગે અનેક સવાલ ઊભા કરી દીધા છે. ખાસ કરીને નંબર ચારે વિરાટ કોહલીની ઊંઘ હરામ કરી દીધી છે. સેમીફાઇનલ પહેલા વિરાટને કોઈ પણ રીતે નંબર ચાર માટે કોઈને કોઈ તોડ શોધવો પડશે.
વર્લ્ડ કપમાં નંબર 4
વર્લ્ડ કપમાં હજુ સુધી ટીમ ઈન્ડિયાને 4 મેચોમાં બેટિંગની તક મળી છે. આ ચાર મેચોમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ બેટ્સમેનોને નંબર ચાર પર અજમાવ્યા છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વિરુદ્ધ હાર્દિક પંડ્યાએ નંબર ચાર પર બેટિંગ કરી હતી. સામાન્ય રીતે સાતમા નંબરે બેટિંગ કરનારા પંડ્યાને વિરાટે મેચની સ્થિતિ મુજબ ચોથા નંબરે પ્રમોટ કર્યો હતો. વિરાટે સાઉથ આફ્રિકાની વિરુદ્ધ કેએલ રાહુલને તક આપી હતી. પરંતુ શિખર ધવનના બહાર થવાના કારણે કેએલ રાહુલ હવે ટીમનો ઓપનર બની ગયો છે. જ્યારે અફઘાનિસ્તાનની વિરુદ્ધ વિજય શંકરે ચોથા નંબર પર બેટિંગ કરી હતી.
વિજય શંકર નંબર-4 માટે કેટલો ફિટ?
આ વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં ડેબ્યૂ કરનારા વિજય શંકરને વર્લ્ડ કપમાં માત્ર એક વાર ચાર નંબર પર બેટિંગ કરવાની તક મળી છે. તેણે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ચોથા નંબરે બેટિંગ કરી હતી અને 29 રન કર્યા હતા. શંકરની સાથે એક ફાયદો એ છે કે તે બોલિંગ પણ કરી શકે છે. પાકિસ્તાનની વિરુદ્ધ તેણે બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હત, પરંતુ વિરાટે અફઘાનિસ્તાનની વિરુદ્ધ તેને બોલિંગ ન કરાવી. એવામાં વિજય શંકરનો નંબર ચાર માટે દાવો વધુ મજબૂત નથી દેખાતો.
દિનેશ કાર્તિકની દાવેદારી
અત્યાર સુધીમાં 77 ઇનિંગ રમનારા દિનેશ કાર્તિકે સૌથી વધુ નંબર ચાર ઉપર જ બેટિંગ કરી છે પરંતુ હાલ વર્લ્ડ કપ પ્લેઇંગ ઇલેવનમાં તેને તક નથી મળી. ચોથા નંબરે બેટિંગ કરતાં કાર્તિકની સરેરાશ 38.72ની છે. કાર્તિકનો લાંબો અનુભવ અને ટેમ્પરામેન્ટનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળી શકે છે. એવામાં વિરાટ આવનારી મેચોમાં તેને અજમાવી શકે છે.
રિષભ પંતની દાવેદારી
શિખર ધવનના બહાર થવાના કારણે રિષભ પંતને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. પરંતુ તેને હાલ પ્લેઇંગ ઇલેવનમાં તક નથી મળી. પંતને માત્ર 5 વનડે મેચનો અનુભવ છે. પરંતુ તેની તાબડતોડ બેટિંગ પર બધા આફરિન છે. આ વર્ષે આઈપીએલમાં પોતાની ધમાકેદાર બેટિંગથી તહેલકો મચાવી દીધો હતો. આ ઉપરાંત ગયા વર્ષે તેણે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમતાં સદી પણ ફટકારી હતી. એવામાં વિરાટ માટે પંતને લાંબા સમય સુધી પ્લેઇંગ ઇલેવનથી બહાર રાખવો સરળ નહીં રહે.