પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક વ્યક્તિનું ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વ કપની સેમિ ફાઇનલ મેચ જોતાં જોતાં મોત થયું હતું. સાઇકલની દુકાન ચલાવતો શ્રીકાંત મૈતી મહેન્દ્રસિંહ આઉટ થતાં આઘાતમાં નીચે પડી ગયો હતો, જે બાદમાં તેનું મોત થયું હતું. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે, મૈતીની ઊંમર 30 વર્ષ હતી, તે ફોન પર મેચ જોઈ રહ્યો હતો. તેના પાડોશી દુકાનદાર સચિન ઘોષે જણાવ્યું કે, જોરથી કંઈક પડવાનો અવાજ આવ્યા પછી તે શ્રીકાંતની મદદે દોડી ગયો હતો. તે જમીન પર બેભાન હાલતમાં પડ્યો હતો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
એક ઇંચથી રન આઉટ થયો ધોની
એમએસ ધોની ભારતીય રમતની 49 ઓવરમાં બીજા બોલ પર રન આઉટ થયો હતો. માર્ટિન ગપ્ટિલે થ્રો કરીને ધોનીને આઉટ કર્યો હતો. ધોની અને ક્રિઝ લાઈન વચ્ચે ફક્ત એક ઇંચનું અંતર રહી ગયું હતું. ધોની રનઆઉટ થતાં કરોડો ચાહકોનું દિલ તૂટી ગયું હતું. તેના આઉટ થતાની સાથે જ ભારતની હાર નક્કી થઈ ગઈ હતી. 50મી ઓવરના ત્રીજા બોલે ભારતની રમત 221 રને સમાપ્ત થઈ ગઈ હતી. આ હાર સાથે જ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગઈ હતી.
18 રનથી હારી ટીમ ઇન્ડિયા
ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારતીય ટીમને 18 રન હાર આપીને 14 જુલાઈના રોજ લોર્ડ્સ ખાતે યોજનારા ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં 239 રન બનાવ્યાં હતાં. જવાબમાં ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રન જ બનાવી શકી હતી. બીજી સેમિ ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ફાઇનલ રવિવારે 14 જુલાઇના રોજ લોર્ડ્સમાં યોજાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર