Home /News /sport /નિવૃત્તિની જાહેરાતથી બીજી વખત ફરી ગયો ક્રિસ ગેલ, હવે કહી આ વાત
નિવૃત્તિની જાહેરાતથી બીજી વખત ફરી ગયો ક્રિસ ગેલ, હવે કહી આ વાત
ક્રિસ ગેલ
વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે (Chris Gayle) વર્લ્ડ કપ (World Cup) બાદ નિવૃત્તિ (Retirement) લઈ લેવાની જાહેરાત કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઘરેલૂ શ્રેણી બાદ પણ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 2-0થી હાર આપી છે. વન ડે શ્રેણીની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ શ્રેણી પર આખી દુનિયાની નજર હતી, કારણ કે વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. જેની જાહેરાત ખુદ ક્રિસ ગેલે વર્લ્ડ કપ દરમિયાન કરી હતી. જોકે, હવે નિવૃત્તિને લઈને ક્રિસ ગેલે મોટું નિવેદન આપ્યું છે.
હકીકતમાં ક્રિસ ગેલે સૌપ્રથમ વખત વર્લ્ડ કપ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, વર્લ્ડ કપ દરમિયાન તેનું મન બદલાઈ ગયું હતું અને ભારત વિરુદ્ધ ઘરેલૂ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેણે ભારત સામે યોજાનાર ટેસ્ટ શ્રેણીમાં રમવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પસંદગી સમિતિએ ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી કરી ન હતી.
હવે ક્રિસ ગેલે નિવૃત્તિની જાહેરાતથી ફરીથી યુ-ટર્ન લીધો છે. ક્રિસ ગેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને એ વાતનો છેદ ઉડાવી દીધો છે કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સંદેશમાં ક્રિસ ગેલે સ્પષ્ટ કહ્યુ છે કે મેં હજી કોઈ જાહેરાત નથી કરી, નિવૃત્તિ અંગે પણ કંઈ નથી કહ્યુ. ક્રિસ ગેલે એ વાતનો પણ સંકેત આપ્યો કે તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
39 વર્ષના ક્રિસ ગેલ બુધવારે ટીમ ઇન્ડિયા વિરુદ્ધ પોતાની 301મી વન ડે મેચ રમી હતી. ક્રિસ ગેલે આ મેચમાં 41 બોલમાં 72 રન ફટકાર્યા હતા. જોકે, તેની આક્રમક બેટિંગ ટીમને કામ આવી ન હતી અને ટીમ આ મેચ છ વિકેટથી હારી ગઈ હતી. ગેલે 301 વન ડેમાં 37.83ની સરેરાશથી 10,480 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેલે આ મેચમાં ખાસ 301 નંબરની જર્સી પહેરી હતી. આઉટ થયા બાદ તેણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ગમ્મત પણ કરી હતી અને પોતાના અનોખા અંદાજમાં હેલમેટને બેટ પર રાખીને પેવેલિયન ગયો હતો. તેના હાવભાવ પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે ક્રિકેટની કારકિર્દીની તેની અંતિમ મેચ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર