ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારત સામે 146 રને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. આ મેચમાં પરાજય ઉપરાંત ભારતના બે ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્મા વચ્ચે થયેલા ઝઘડાના કારણે પણ ચર્ચા જગાવી છે.
બીજી ટેસ્ટનાં પાંચમાં દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્મા રકઝક કરી રહ્યા છે. વીડિયો જોતા સ્પષ્ટ ખબર પડે છે કે બંને ઉગ્ર રીતે દલીલ કરી રહ્યા છે. જોકે આ વીડિયોમાં અવાજ ન હોવાથી એ ખબર પડી નથી કે બંને કયા કારણોસર ઝઘડ્યા હતા. પાણી માટે બ્રેક હતો તે દરમિયાન આ ઘટના બની હતી.