Home /News /sport /

પર્થ ટેસ્ટમાં વિરાટ કોહલીને ખોટી રીતે આઉટ અપાયો?

પર્થ ટેસ્ટમાં વિરાટ કોહલીને ખોટી રીતે આઉટ અપાયો?

વિરાટ કોહલી

ક્રિકેટ લવર્સમાં કોહલીની સદીની સાથોસાથ તેમના આઉટ થવા બાબતે પણ ચર્ચા થઈ રહી છે

    ન્યૂઝ18 ગુજરાતી: શું વિરાટ કોહલી અમ્પાયરના ખોટા નિર્ણયનો શિકાર થયો? શું વિરાટ આઉટ નહોતો? વિરાટની વિકેટે વિવાદ ઊભો કરી દીધો છે. દરેક બાજુ વિરાટની સદીની સાથે લોકો તેના આઉટ થવાની પણ ચર્ચા કરી રહ્યા છે.

    વિરાટ કોહલી 123 રનની ઇનિંગ રમ્યા બાદ પૈટ કમિન્સની બોલિંગમાં આઉટ આપવામાં આવ્યો. પરંતુ ન તો કોહલી અને ન તો ટીમ ઈન્ડિયાના ફેન્સને એવો વિશ્વાસ થઈ રહ્યો છે કે તે આઉટ હતો. ક્રિકેટના મેદાનથી લઈને સોશિયલ મીડિયા દરેક બાજુ લોકો અમ્પાયરના ચુકાદાની ટીકા કરી રહ્યા છે.

    શું છે વિવાદ?
    ભારતીય ઇનિંગની 93મી ઓવર...પૈટ કમિન્સના એક બોલ પર બીજી સ્લિપ પર ઊભેલા પીટર હેંડ્સકોમ્બે કોહલીનો કેચ પકડ્યો. હેંડ્સકોમ્બએ જમણી તરફી ઝૂકીને કેચ પકડ્યો. કેચને જોઈ એક ક્ષણ માટે એવું લાગે છે કે જાણે બોલે પહેલા મેદાન પર ટપ્પી ખાધી છે અને પછી હેંડ્સકોમ્બના હાથમાં પહોંચ્યો છે. સ્લોમોશન રિપ્લે જોયા બાદ પણ એવું કહેવું મુશ્કેલ હતું કે હેંડ્સકોમ્બની આંગળીઓ બોલની નીચે હતી કે નહીં. સોફ્ટ સિગ્નલ આપતા અમ્પાયર ધર્મસેનાએ કોહલીને આઉટ આપ્યો. ત્યારબાદ થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી. અલગ-અલગ એન્ગલથી અનેકવાર વીડિયો ફુટેજ જોવામાં આવ્યા. પરંતુ તેમ છતાંય અમ્પાયર કોઈ પરિણામ પર ન પહોંચી શક્યા. વીડિયો ફુટેજથી કંઈ પણ કહેવું મુશ્કેલ હતું. એવામાં ત્રીજા અમ્પાયરે ધર્મસેનાના નિર્ણયને માનતા કોહલીને આઉટ આપ્યો. ત્રીજા અમ્પાયર જો ઈચ્છતા તો બેનિફિટ ઓફ ડાઉટ હેઠળ કોહલીને નોટ આઉટ આપી શકતા હતા.

    કોહલીની નારાજગી
    વિરાટ કોહલી આઉટ અપાવાનાં નિર્ણયથી બિલકુલ ખુશ નહોતો. નારાજગી તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. કોહલીને લાગી રહ્યું હતું કે હેંડ્સકોમ્બના હાથોમાં કેચ એક ટપ્પો ખાઈને પહોંચ્યો છે.

    શું છે ICCનો નિયમ?
    ICCના નિયમો મુજબ, જો વીડિયો ફુટેજથી એવું સાબિત ન થઈ શકે કે કેચ યોગ્ય હતો કે નહીં, એવી સ્થિતિમાં મેદાનના અમ્પાયરના નિર્ણયને જ માનવામાં આવે છે. જો ફીલ્ડ અમ્પાયરે કોહલીને નોટ આઉટ આપ્યો હોત તો પછી થર્ડ અમ્પાયરના સંદેહનો ફાયદો (benefit of doubt)નો નિર્ણય બેટ્સમેનના હકમાં જતો. એવામાં આવનારા દિવસોમાં કોહલી આઉટ આપવાના નિર્ણય પર ચર્ચા થતી રહેશે.

    દિગ્ગજોનું શું કહેવું છે?
    ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું હતું કે પીટર હેંડ્સકોમ્બના કેચ લેવામં કોઈને પણ આશંકા ન હોવી જોઈએ જ્યારે ફોક્સ સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઇક હસી મુજબ આ કેચ વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાના ઓફ સ્પીનર હરભજન સિંહે પણ ટ્વીટર પર લોકોને સવાલ પૂછ્યો કે શું વિરાટ આઉટ હતો?

    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Australia, IND vs AUS, Team india, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन