નવી દિલ્હી : પ્રો કબડ્ડી લીગની આઠમી સિઝનમાં (Pro Kabaddi League)શુક્રવારે દબંગ દિલ્હીએ (Dabang Delhi)યૂ મુમ્બા સામે વિજય મેળવ્યો છે. આ સિઝનમાં દિલ્હીનો સતત બીજો વિજય છે. આ સિવાય અન્ય એક મેચમાં બેંગલુરુ બુલ્સે (Bengaluru Bulls)તમિલ થલાઇવાજ સામે જીત મેળવી હતી. બેંગલુરએ સિઝનની પ્રથમ જીત મેળવી છે. જ્યારે અંતિમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાલ વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સ સામે (Gujarat Giants)વિજય મેળવ્યો હતો.
દિલ્હીનો 31-27થી યૂ મુમ્બા સામે વિજય
દિલ્હી અને મુમ્બા વચ્ચે રમાયેલો મુકાબલો પ્રથમ હાફમાં ઘણો ધીમો રહ્યો હતો. પ્રથમ હાફ દરમિયાન મુમ્બાનો સ્કોર 12-10 હતો. મુમ્બા પ્રથમ હાફ ખતમ થવાના ઠીક પહેલા ઓલઆઉટ થતા બચ્યું હતું. બીજા હાફમાં નવીન કુમારના બીજા સુપર ટેનની મદદથી દિલ્હીએ વાપસી કરી હતી અને 31-27થી મુકાબલો પોતાના નામે કર્યો હતો. નવીને 12 રેડ પોઇન્ટ સહિત કુલ 17 પોઇન્ટ પોતાના નામે કર્યા હતા. નવીન સૌથી ઝડપી 500 રેડ (47 મેચ) પોઇન્ટ કરનાર રેડર બની ગયો છે. નવીને મનિંદર સિંહ (56 મેચ)નો રેકોર્ડ તોડ્યો છે.
બેંગલુરુ અને થલાઇવાજ વચ્ચે રમાયેલી મેચમાં હાફ ટાઇમ સુધી બેંગલુરુ પાસે 5 પોઇન્ટની લીડ હતી. પ્રથમ હાફમાં ડિફેન્સનો જલવો રહ્યો હતો. બન્ને ટીમોના મળીને 12 પોઇન્ટ ડિફેન્સના ખાતામાં ગયા હતા. બીજા હાફમાં પણ બેંગલુરુએ પોતાની લીડ યથાવત્ રાખી હતી અને બે વખત થલાઇવાજને ઓલઆઉટ કર્યું હતું. બેંગલુરુના કેપ્ટન પવન સહરાવતે ટીમ તરફથી સૌથી વધારે 9 રેડ પોઇન્ટ લીધા હતા.
બંગાલ વોરિયર્સનો ગુજરાત જાયન્ટ્સ સામે 31-28થી વિજય
બંગાળ અને ગુજરાત વચ્ચે રમાયેલો મુકાબલો પણ પ્રથમ હાફમાં ડિફેન્સ તરફ રહ્યો હતો. પ્રથમ હાફમાં બંગાળે પાંચ પોઇન્ટની લીડ બનાવી હતી. બીજા હાફમાં ગુજરાતના રેડર્સે સારી રમત બતાવી હતી. જોકે ડિફેન્સમાં સતત ભૂલના કારણે મેચ ગુમાવી પડી હતી. અંતિમ પાંચ મિનિટમાં મુકાબલો રોમાંચક થયો હતો. જોકે બંગાળ સંયમ બનાવી રાખીને જીત મેળવી હતી. શનિવારે 25 ડિસેમ્બરે ત્રણ મુકાબલા રમાશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર