ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ન બની શક્યા બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર આગામી શ્રેણીને લઈને આવ્યા છે, જે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાશે. સમાચાર આવી રહ્યા છે કે વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે જઈ શકે છે. તે એક મહિનાના પ્રવાસમાં વન-ડે, ટી-20 સીરીઝ અને ટેસ્ટમાં પણ ભાગ લેશે. પહેલા સમાચાર આવ્યા હતા કે કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે આરામ આપવામાં આવશે. જોકે, મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે હવે વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જઈ શકે છે.
હવે સવાલ એ ઉભો થાય કે વિરાટ કોહલી શા માટે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જવા માંગે છે? ક્યાંક આ નિર્ણય તેની કેપ્ટનશીપ પર ઉભા થઈ રહેલા ખતરાને લઈને તો નથી લેવાયો ને? આજકાલ મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે બીસીસીઆઈ ટીમ ઇન્ડિયામાં બે કેપ્ટન બનાવવા અંગે વિચારી રહ્યું છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો વિરાટ કોહલીને ટેસ્ટ અને રોહિત શર્માને વન ડેનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જોકે, આ વાતની કોઈ અધિકારિક પુષ્ટિ કરવામાં નથી આવી.
ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ
ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ ત્રીજી ઓગસ્ટના રોજ શરૂ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમાશે. પ્રવાસની શરૂઆત ટી-20થી થશે, બાદમાં વન ડે શ્રેણી આઠમી ઓગસ્ટથી થશે. 22 ઓગસ્ટથી ટેસ્ટ શરૂ થશે. જ્યારે બીજી ટેસ્ટ 30મી ઓગસ્ટથી રમવામાં આવશે. આ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 19મી જુલાઈના રોજ થશે. સમાચાર પ્રમાણે આ પ્રવાસમાં ધોની પણ જશે. જ્યારે શીખર ધવન આ મેચમાં રમી શકે તેવું લાગી રહ્યું નથી, તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર