વિજય હજારે ટ્રોફી: આંધ્ર પ્રદેશને હરાવીને સૌરાષ્ટ્રની ફાઈનલમાં એન્ટ્રી, કર્ણાટક સાથે થશે ટક્કર

  • Share this:
    રવિન્દ્ર જાડેજા (56)ની કેપ્ટન ઈનિંગ અને અર્પિતા વાસવદા (58)ની અર્ધશતકીય ઈનિંગ બાદ ધર્મેન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગની મદદની સૌરાષ્ટ્રે આંધ્ર પ્રદેશને 59 રનથી હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હજારે ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટક્કર કર્ણાટક સાથે થશે. કર્ણાટકે શનિવારે મહારાષ્ટ્રને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

    બીજી વાર સૌરાષ્ટ્ર સીમિત ઓવરોની આ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. આ પહેલા સૌરાષ્ટ્ર 2007-08માં ખિતાબ જીત્યો હતો. આ વખતે ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટક્કર 27 ફેબ્રુઆરીએ ફિરોજશાહ કોટલામાં બે વાર ચેમ્પિયન કર્ણાટક સાથે થશે.

    રવિવારે રમાયેલી બીજી ફાઈનલમાં મેચમાં ટોસ હારીને પહેલા બેટ્સમેન કરવા ઉતરેલી સૌરાષ્ટ્ર ટીમ 49.1 ઓવરમાં 255 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી, જોકે, આંધ્ર પ્રદેશ માટે આ સ્કોર પણ મોટો સાબિત થયો અને તેમની ટીમ 45.3 ઓવરમાં 196 રનમાં જ સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ 40 રન આપીને ચાર અને શૌર્ય સનાનડિયાએ 40 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી.

    સૌરાષ્ટ્રની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. કેમ કે, ઓપનર બેટ્સમેનો સહિત ચાર વિકેટ 69 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ મેચમાં માત્ર બેટ્સમેનના રૂપમાં ટીમમાં વાપસી કરાવતા રવિન્દ્ર જાડેજા અને અર્પિત વાસવદાએ પાંચમી વિકેટ માટે 113 રનની પાર્ટનરશીપ કરીને ટીમને એક વિનિંગ સ્કોર આપ્યો હતો.

    જાડેજા અને અર્પિત પણ એક જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ પ્રેરક માંકડે 28 બોલમાં 40 રન ફટકારી દીધા, જેના કારણે સૌરાષ્ટ્રનો સ્કોર 250 રનને પાર કરી ગયો હતો. આંધ્ર પ્રદેશની તરફથી કાર્તિક રમને 69 રન આપીને ચાર તથા ડી શિવા કુમાર અને બી અયપ્પએ બે-બે વિકેટ ઝડપી હતી.

    આંધ્ર પ્રદેશના પણ ટોચના ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી શક્યા નહતા. અને 23મી ઓવરમાં તેમનો સ્કોર ચાર વિકેટ પર 91 રન થઈ ગયો હતો. બી સુમનાથ (42) અને ડીબી રવિ તેજા (42)એ સ્થિતિને સંભળવાની કોશિશ કરી, પરંતુ આ બંને વચ્ચે 59 રનની ભાગીદારી તૂટ્યા બાદ આંધ્રની ટીમ 196 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી.
    Published by:Mujahid Tunvar
    First published: