મુંબઈ : મહેન્દ્રસિંહ ધોનીએ (MS Dhoni)આઈપીએલ-2022 (IPL 2022) પહેલા સીએસકેની કેપ્ટનશિપ છોડી દીધી હતી. 40 વર્ષના ધોનીએ ઉંમરના કારણે કેપ્ટનશિપ છોડી છે જેનાથી રવિન્દ્ર જાડેજાને તૈયાર થવામાં સમય મળી શકે. ધોની 40 વર્ષનો હોવા છતા તેની ચપળતા હજુ પહેલા જેવી જ છે. આવી જ એક ચપળતા રવિવારે પંજાબ કિંગ્સ (csk vs pbks)સામેની મેચ દરમિયાન જોવા મળી છે.
મેચમાં ધોનીએ પોતાની ફિલ્ડિંગથી વિરોધી ટીમને એક મોટો ઝટકો આપ્યો હતો. ઇનિંગ્સની બીજી ઓવર ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડન ફેંકી રહ્યો હતો. ભાનુકા રાજપક્ષે શોટ મારીને એક રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે ધવનને કોલ આપ્યો હતો પણ ધવને રન લેવાની ના પાડી હતી. જેથી રાજપક્ષે પાછો વળીને ક્રિઝમાં પરત ફરતો હતો. આ દરમિયાન જોર્ડને બોલ પકડીને સ્ટમ્પમાં માર્યો હતો. જોકે બોલ સ્ટમ્પ પર લાગ્યો ન હતો. આ સમયે ધોનીએ બોલ પકડીને ડ્રાઇવ મારીને રન આઉટ કર્યો હતો. થર્ડ અમ્પાયરે રાજપક્ષેને આઉટ આપ્યો હતો. તેણે 5 બોલમાં 1 સિક્સર સાથે 9 રન બનાવ્યા હતા. આ પહેલાની બે મેચમાં તેણે જબરજસ્ત આક્રમક બેટિંગ કરી હતી.
ધોનીની આ 350મી ટી-20 મેચ છે. રોહિત શર્મા પછી અહીં સુધી પહોંચનાર બીજો ભારતીય ખેલાડી છે. વર્તમાન સિઝનમાં ધોનીએ બેટિંગથી પણ શાનદાર રમત બતાવી છે. પ્રથમ મેચમાં ધોનીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 50 રન બનાવ્યા હતા. બીજી મેચમાં 16 રને અણનમ રહ્યો હતો.