ICC T20 World Cup 2020 : આવતા મહિનાથી યુએઈ અને ઓમાન ખાતે રમાશે. વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ જીતવાની સૌથી મોટી દાવેદાર છે. ત્યારે ICC T20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) માટે બુધવારે ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ની જાહેરાત થવાની છે. ટીમની જાહેરાત પહેલા તેમાં 13થી 15 ખેલાડીઓનું નામ પાક્કું હોવાનું જાણવા મળે છે. માત્ર અમુક નામ જ નક્કી કરવાના છે. આ દરમિયાન ટીમની જાહેરાત થાય તે પહેલાં ઘણા દિગ્ગજો અને ચાહકોએ T-20 વર્લ્ડ કપ માટે પોતપોતાની ટીમોનું સૂચન કર્યું છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) પોતાની ટીમને પસંદ કરી છે. પરંતુ તેમની ટીમે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સુનીલ ગાવસ્કરે T-20 વર્લ્ડ કપ માટે પોતાની ભારતીય ટીમમાં ઓપનર તરીકે કેએલ રાહુલ (KL Rahul)ની પસંદગી નથી કરી! તેમણે રોહિત શર્મા (Rohit Sharma)ના ઓપનિંગ પાર્ટનર માટે અન્ય ખેલાડીનું નામ સૂચવ્યું છે.
ગાવસ્કરે કેએલ રાહુલને રિઝર્વ ઓપનર તરીકે રાખ્યો છે. ગાવસ્કરે તેની ટીમમાં મુંબઈ ઈન્ડિયન્સના પાંચ ખેલાડીઓ સામેલ કર્યા છે. તેમણે કેએલ રાહુલને ચોથા નંબરના બેટ્સમેન તરીકે રાખીને રોહિત શર્મા સાથે ઓપનિંગ પાર્ટનર તરીકે ભારતના કેપ્ટન વિરાટ કોહલીની પસંદગી કરી છે. ભૂતકાળમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી (Virat Kohli)ની ઓપનિંગ જોડીએ ટીમ ઇન્ડિયાને સફળ શરૂઆત કરાવી હતી.
સૂર્યકુમારને ત્રીજા તથા રાહુલને ચોથા ક્રમે રખાયો
થોડા સમયથી સૂર્યકુમારનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. તેણે T20માં 46.33ની સરેરાશથી 139 રન કર્યા છે. જ્યારે વનડેમાં 62ની સરેરાશથી રન ફટકર્યા છે. તે કોઈ પણ ક્રમે બેટિંગ કરી શકે છે. જ્યારે ચોથા નંબરે રાહુલની પસંદગી કરી છે. જે અત્યારે ટીમ ઇન્ડિયાનો હાઈએસ્ટ રેન્કિંગ ધરાવતો બેટ્સમેન છે.
હાર્દિક પંડ્યા અને ઋષભ પંતનો ક્રમ સ્થિતિ મુજબ
ઓપનિંગમાં કેએલ રાહુલનું પરફોર્મન્સ સારું રહ્યું છે, પરંતુ ગાવસ્કરનું માનવું છે કે, મિડલ ઓર્ડરમાં એટલે કે ચોથા ક્રમે કેએલ રાહુલ સૌથી વધુ ઉપયોગી છે. અલબત્ત ચોથો ક્રમ સ્થિતિ મુજબ ઋષભ પંત અને હાર્દિક પંડ્યા માટે પણ ખુલ્લો છે.
વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડર તરીકે
સુનીલ ગાવસ્કરે ઓલરાઉન્ડર તરીકે વોશિંગ્ટન સુંદર (ફિટ હોય તો)ને પસંદ કર્યો છે. તેણે કૃણાલ પંડયા અને રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી કરી છે. આ બાબતે સુનીલ ગાવસ્કરે સ્પોર્ટ્સ તકને કહ્યું હતું કે, કૃણાલ પંડયા અનુભવી અને ઓલરાઉન્ડર છે તેથી હું તેની પસંદ કરીશ. તેણે IPLમાં સારો દેખાવ કર્યો છે. તેમજ તે ડાબોડી ખેલાડી અમારા માટે ફાયદાકારક છે.
શાર્દુલ ઠાકુરને ટીમમાં જગ્યા આપી
ગાવસ્કરે બોલર તરીકે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલને પસંદ કર્યા છે. આ સાથે શાર્દુલ ઠાકુરને પણ જગ્યા આપી છે. જ્યારે શ્રેયસ અય્યર અને રાહુલ ચહર રિઝર્વ હશે. બીજી તરફ શિખર ધવન, પૃથ્વી શો અને ઇશાન કિશન કે મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવને સુનીલ ગાવસ્કરે પોતાની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપ્યું નથી.