નવી દિલ્હી: ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) 17 ઓક્ટોબરથી યુએઈમાં શરૂ થવાનો છે. જેમાં વિજેતા ટીમ માટે કેટલી ઇનામની રકમ રાખવામાં આવી છે, જે અંગે આઇસીસીએ જાહેરાત કરી છે. મેન્સ ટી 20 વર્લ્ડકપની વિજેતા ટીમને આઇસીસી તરફથી 1.6 મિલિયન ડોલર (આશરે 12 કરોડ રૂપિયા) નું ઇનામ આપવામાં આવશે. જ્યારે રનર-અપ ટીમ એટલે કે, ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમને 8 લાખ ડોલર (લગભગ 6 કરોડ રૂપિયા) ની ઇનામી રકમ મળશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી ઈનામની રકમ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે, ડ્રિંક્સ બ્રેક માટે એક ઈનિંગમાં 2 મિનિટ 30 સેકન્ડ આપવામાં આવશે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, સુપર 12 સ્ટેજ બાદ દરેક જીત માટે ટીમને બોનસ એવોર્ડ પણ આપવામાં આવશે. વર્ષ 2016 માં રમાયેલા ટી 20 વર્લ્ડ કપમાં પણ આવું જ થયું હતું. સુપર -12 સ્ટેજ પર યોજાનારી કુલ 30 મેચમાં 40 હજાર ડોલર (આશરે 1 કરોડ 20 લાખ રૂપિયા) નું ઈનામ આપવામાં આવશે.
આ વૈશ્વિક ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં હારનાર બંને ટીમોને 4 લાખ યુએસ ડોલર (લગભગ 3 કરોડ રૂપિયા) મળશે. આ વખતે વર્લ્ડ કપમાં ટીમો માટે કુલ 5.6 મિલિયન ડોલર (લગભગ 42 કરોડ રૂપિયા) નું ઇનામ રાખવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. સુપર 12માં આવેલી દરેક ટીમને 70 હજાર ડોલર (52 લાખ રૂપિયા) આપવામાં આવશે. રાઉન્ડ લીગની 12 મેચ દરમિયાન દરેક મેચ માટે 40 હજાર ડોલર આપવામાં આવશે. રાઉન્ડ -1 ની બહાર રહેલી ચાર ટીમોને 40-40 હજાર ડોલર (આશરે 30 લાખ રૂપિયા) મળશે.
આ 12 ટીમોને મળ્યું સુપર 12માં સ્થાન
બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નામીબીયા, નેધરલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, ઓમાન, શ્રીલંકા અને સ્કોટલેન્ડ રાઉન્ડ 1 માટે ક્વોલિફાય થશે. બીજી બાજુ, ભારત, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પહેલાથી જ સુપર -12 તબક્કામાં પહોંચી ચૂકી છે.
ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ 14 નવેમ્બરે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે, અત્યારે યુએઈમાં માત્ર 10 ટકા ચાહકોને જ મંજૂરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'બીસીસીઆઈ અને અમીરાત બોર્ડ ફાઈનલમાં મોટી સંખ્યામાં ચાહકોને આમંત્રિત કરવા માંગે છે. જો તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવે તો તે અદ્ભુત હશે. જોકે, પરવાનગી અંગે હજુ કશું કહી શકાય તેમ નથી.ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની મેચ પણ ઓમાનમાં યોજાવાની છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર