વન-ડે શ્રેણીમાં 4-1થી શ્રેણી જીતી પછી ટીમ ઇન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડ સામે બુધવારથી રમાનાર ત્રણ મેચની ટી-20 શ્રેણી પર છે. ટી-20માં ન્યૂઝીલેન્ડ હંમેશા ટીમ ઇન્ડિયા પર ભારે પડી રહી છે. આ શ્રેણીમાં ટીમનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી રમવાનો નથી. તેના સ્થાને ટીમની કેપ્ટનશિપ રોહિત શર્માના ખભા પર છે. બીજી તરફ ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો મત છે કે ભલે ધોની હાલ શાનદાર ફોર્મમાં હોય પણ તેનો ટી-20 શ્રેણીની પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ કરવો જોઈએ નહીં.
ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આ શ્રેણીમાં ધોનીના બદલે યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ. આ રીતે ધોનીને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલું શ્રેણી પહેલા આરામ મળી જશે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન પણ ઉપસ્થિત હતા. તેમણે પણ કહ્યું હતું કે ધોનીને આરામ આપવો જોઈએ. હેસને કહ્યું હતું કે આગામી શ્રેણી રિષભ પંત અને દિનેશ કાર્તિક માટે મોટી તક છે. આ પછી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નિર્ણય કરી શકશે. અમે જાણીએ છીએ કે એમએસ ધોની વર્લ્ડ કપ ટીમનો ભાગ છે.
2018માં ખરાબ પ્રદર્શન પછી ધોનીએ આ વર્ષે ઘણા રન બનાવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 3 અડધી સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતને જીત અપાવી હતી. આ દરમિયાન તેણે 51, 55 અને 87 રનની ઇનિંગ્સ રમી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર