ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા માનવામાં આવતું હતું કે સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરુન બેનક્રોફ્ટ પર લાગેલા પ્રતિબંધને ઘટાડવામાં આવશે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ મંગળવારે આ પ્રતિબંધને યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી એક વાત નક્કી થઈ ગઈ છે કે આ ત્રણેય ભારત સામે રમશે નહીં.
વેબસાઇટ ઇએસપીએનના રિપોર્ટ પ્રમાણે સીએના વચગાળના ચેરમેન અર્લ એડિંગ્સનું કહેવું છે કે પ્રતિબંધ ઓછો કરવાથી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન ટીમ ઉપર દબાણ વધી શકે છે. આથી સીએનો પ્રતિબંધ ઓછો કરવાનો કોઈ ઇરાદો નથી. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયા ક્રિકેટર્સ એસોસિયેશન (એસીએ) નિરાશ થઈ શકે છે. ખેલાડીઓનો પ્રતિબંધ ઓછો કરવાના પ્રસ્તાવ રાખવા પર સીએ તેમનો આભાર માને છે. આ ત્રણના ના રમવાથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પરાજયનો પણ સામનો કરવો પડી શકે છે. આમ છતા પ્રતિબંધ દુર કર્યો નથી.
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગના મામલામાં ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
બોલ ટેમ્પરિંગ મામલાની તપાસ માટે ગઠિત કરેલી સ્વતંત્ર સમિતિએ વિવાદ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની દરેક પરિસ્થિતિમાં જીત મેળવવાની સંસ્કૃતિને જવાબદાર ગણી હતી. સમિતિના રિપોર્ટ પછી ઓસ્ટ્રેલિયા ક્રિકેટર્સ એસોસિયેશને (એસીએ) ખેલાડીઓ પરથી પ્રતિબંધ હટાવવાની માંગણી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર