વરસાદના કારણે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની મેચ રદ કરવામાં આવી છે. મેચ રદ થતા બંને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે. વરસાદના કારણે ફક્ત 7.3 ઓવરની રમત શક્ય બની હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી 29 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રમાઈ ન હતી. મેચ રદ થતા દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઇનલમાં પહોંચવાની આશાને ફટકો પડ્યો છે. કારણ કે તેનો આ પહેલા 3 મેચમાં પરાજય થયો છે.
હાશિમ અમલા 6 અને માર્કરામ 5 રને આઉટ થતા દક્ષિણ આફ્રિકાની શરુઆત ખરાબ રહી હતી. આફ્રિકાએ 28 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે.
વર્લ્ડ કપની 15મી મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમમાં બે-બે ફેરફાર કરાયા હતા . અનફિટ હોવાના કારણે એવિન લુઈસ અને આન્દ્રે રસેલ વેસ્ટ ઇન્ડીઝની ટીમમાંથી બહાર છે. તેના સ્થાને ડેરેન બ્રાવો અને કીમર રોચનો સમાવેશ કરાયો છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં બ્યૂરોન હેન્ડ્રીક્સ અને માર્કરામનો સમાવેશ કરાયો છે.