બાંગ્લાદેશે આઈસીસી વર્લ્ડ કપમાં અપસેટ સર્જતા દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. મુશ્ફિકુર રહીમ (78) અને સાકિબ અલ હસન (75)ની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે આઈસીસી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 21 રને વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 330 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 8 વિકેટે 309 રન બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાનો આ સતત બીજો પરાજય છે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો.
ડી કોક 23 રન બનાવી રન આઉટ થયો હતો. માર્કરામ 45 રન બનાવી સાકિબનો શિકાર બન્યો હતો. પ્લેસિસ અને માર્કરામ વચ્ચે 53 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્લેસિસે એક છેડો સાચવી રાખતા 53 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 62 રન બનાવ્યા હતા. તે મહેંદી હસનની ઓવરમાં બોલ્ડ થયો હતો.
મિલર અને વાન ડેર ડુસને 55 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ સમયે મુશ્તાફિઝુરે મિલરને 38 રને આઉટ કરી આ જોડી તોડી હતી. ડુસેને 41 અને ડુમિની 45 રન બનાવી આઉટ થતા પરાજય નિશ્ચિત બન્યો હતો. બાંગ્લાદેશ તરફથી મુશ્તાફિઝુર રહેમાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
અગાઉ બાંગ્લાદેશનો તામિમ 16 રન બનાવી ફેલુકવાયોની ઓવરમાં આઉટ થયો હતો. તામિમ અને સૌમ્યા સરકારે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. સૌમ્યા સરકાર 42 રન બનાવી મોરિસની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
સાકિબ અલ હસને 54 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. વિકેટકીપર રહીમે 52 બોલમાં 6 ફોર સાથે અડધી સદી પૂરી કરી હતી. સાકિબ 75 રન બનાવી તાહિરની ઓવરમાં બોલ્ડ થયો હતો. સાકિબ અને રહીમ વચ્ચે 142 રનની ભાગીદારી નોંધાઈ હતી.જે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ તરફથી બેસ્ટ ભાગીદારી છે.
આ પછી મિથુન 21 રને આઉટ થતા બાંગ્લાદેશે 242 રને ચોથી વિકેટ ગુમાવી હતી. રહીમ પણ અડધી સદી ફટકારી વધારે ન ટકી શકતા 78 રને આઉટ થયો હતો. મહમુદુલ્લાહે 33 બોલમાં અણનમ 46 રન બનાવી સ્કોર 320 રનને પાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ મેચમાં પરાજય થયો હોવાથી દક્ષિણ આફ્રિકા માટે આ મેચ ઘણી મહત્વની છે. ઈજાના કારણે હાશિમ અમલાને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને ડેવિડ મિલરનો સમાવેશ કરાયો છે. ક્રિસ મોરિસનો પણ ટીમમાં સમાવેશ થયો છે.