નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન વડોદરાની એક હોસ્પિટલમાં જિંદગી સામે જંગ લડી રહ્યા છે. હાલ તે વેન્ટિલેટર પર છે. ક્રિકેટરની પત્નીના પત્ર બાદ બીસીસીઆઈ તરફથી રૂ. પાંચ લાખ અને વડોદરા ક્રિકેટ ઓસોસિએશન તરફથી રૂ. ત્રણ લાખની સહાય આપવામાં આવી છે. પૂર્વ ક્રિકેટરની મદદ માટે હવે સૌરવ ગાંગુલી સામે આવ્યો છે.
"ધ ટેલિગ્રાફ" સાથે વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, "માર્ટિન અને હું બંને સાથે ક્રિકટ રમ્યા છીએ. તે ખૂબ સરળ અને અંતર્મુખી વ્યક્તિ છે. હું તેમની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેવી પ્રાર્થના કરું છું, સાથે જ તેમના પરિવારને કહેવા માંગીશ કે આ મુશ્કેલી ઘડીમાં તેઓ એકલા નથી, હું તેમના પડખે ઉભો છું."
નોંધનીય છે કે માર્ટિને સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ 1999માં પ્રથમ મેચ રમી હતી. માર્ટિન ભારત તરફથી 10 વન-ડે મેચ રમ્યા હતા. માર્ટિન પાંચ મેચ સૌરવ ગાંગુલી અને પાંચ મેચ સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ રમ્યા હતા.
પરિવારે BCCI પાસે માંગી મદદ
પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની તબિયત નાજુક છે અને તે વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ છે. માર્ટિનની સારવારમાં દરરોજ 70 હજાર રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે અને હવે પરિવારને તેમના સારવાર માટે પૈસાની ખૂબ જ જરૂર છે. 46 વર્ષીય માર્ટિન ભારત માટે 10 વનડે રમી ચૂક્યા છે. 28 ડિસેમ્બરે સ્કૂટર પર જતી વખતે તેમનો એક્સિડન્ટ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્ટિનની પત્નીએ હાલમાં જ BCCI પાસે મદદ માંગી છે, જેથી તેમની સારવારનો ખર્ચ ઓછો થઈ જશે. તેમનો પરિવાર 5 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે અને ત્યારબાદ બીસીસીઆઈએ બેનેવોલેંટ સ્કીમ હેઠળ વધુ 5 લાખ રૂપિયા આપ્યા છે.
પૂર્વ બીસીસીઆઈ અધિકારી અને વડોદરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું કે, જ્યારે મને એક્સિડન્ટ વિશે ખબર પડી હું જેકબના પરિવારને શક્ય એ મદદ કરવાનો પ્રયાસ કર્યો. મેં કેટલાક લોકો સાથે વાતચીત કરી, જેમાં વડોદરાના મહારાજ સમરજીતસિંહ ગાયકવાડે 1 લાખ રૂપિયા ડોનેટ કર્યા. આ ઉપરાંત 5 લાખ રૂપિયા બીજા એકત્ર કર્યા. તેમણે વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલનું બિલ પહેલાથી જ 11 લાખથી પાર જઈ ચૂક્યું છે. ત્યાં સુધી કે એકવાર હોસ્પિટલે દવાઓ આપવાની પણ બંધ કરી દીધી હતી. બીસીસીઆઈએ જોકે ત્યારબાદ પૈસા જમા કરાવ્યા અને આ રીતે સારવાર બંધ થવા ન દીધી.
નોંધનીય છે કે તેમની કેપ્ટન્સીમાં જ વડોદરાની ટીમે રણજી ટ્રોફી જીતી હતી. સંજય પટેલે વધુમાં જણાવ્યું કે તેઓ પહેલા જ રાજ્યના પૂર્વ પ્લેયર જહીર ખાન અને પઠાન બંધુઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે અને તેઓ આર્થિક મદદ કરવા માટે તૈયાર છે. પટેલ અન્ય સ્ટાર પ્લેયર્સ સાથે પણ વાતચીત કરશે અને તેમની મદદ માટે વિનંતી કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર