શાહિદ આફ્રિદીએ '15 બોલમાં બનાવ્યાં 70 રન', કહ્યુ- 'શેર અભી ઝિંદા હૈ'

શાહીદ આફ્રિદી

Global T20 Canadaમાં 40 વર્ષના આફ્રિદીએ તોફાની બેટિંગ કરતા પોતાની ટીમને મેચ જીતાડી દીધી હતી, આ માટે આફ્રિદીને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો.

  • Share this:
    કેનેડામાં ચાલી રહેલી ગ્લોબલ ટી20 લીગમાં શાહિદ આફ્રિદીએ ધમાકેદાર બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. આફ્રિદીએ બ્રેમ્પ્ટન વૂલ્વ્સ તરફથી રમતા એડમોન્ટલ રોયલ્સના બોલરોની બરાબર ધોલાઈ કરી હતી. બ્રેમ્પ્ટન વૂલ્વ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 207 રનનો સ્કોર ખડકી દીધો હતો, જેના જવાબમાં એડમોન્ટન રોયલ્સ ટીમ નવ વિકેટ ગુમાવીને 180 રન બનાવી શકી હતી, અને 27 રનથી મેચ હારી ગઈ હતી.

    આફ્રિદીનું 'તોફાન'

    બ્રેમ્પ્ટન વૂલ્વ્સને લેન્ડલ સિમન્સ અને જ્યોર્જ મન્સે તોફાની શરૂઆત આપી હતી. બંનેએ 25 બોલમાં 43 રન કર્યા હતા. જે બાદમાં મુનરો અને નીતીશ કુમાર ફટાફટ આઉટ થઈ ગયા હતા. જોકે, લેન્ડસ સિમન્સે 34 બોલમાં 59 રન ફટાકારી દીધા હતા. જે બાદમાં એડમોન્ટન રોયલ્સની બોલિંગ પર આફ્રિદી નામનું 'વાવાઝોડું' આવ્યું હતું. પાકિસ્તાનના 40 વર્ષના ખેલાડીએ 40 બોલમાં 81 રન ફટકાર્યા હતા. આફ્રિદીએ આક્રમક રમત રમતા પાંચ છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે 70 રન તો ફક્ત 15 બોલમાં ફટકાર્યા હતા.

    શાહિદ આફ્રિદીએ તોફાની બેટિંગ કર્યા બાદ ટ્વિટર પર રસપ્રદ પોસ્ટ કરી હતી. આફ્રિદીએ ટ્વિટર પોસ્ટમાં લખ્યું કે, "શેર અભી ઝિંદા હૈ."



    પાંચ મહિના પછી ક્રિકટ રમ્યો

    નોંધનીય છે કે શાહિદ અફ્રિદી હવે ક્રિકેટની રમત ખૂબ ઓછી રમે છે. છેલ્લા પાંચ મહિના દરમિયાન આ તેની પ્રથમ મેચ હતી. આફ્રિદીએ મેદાન પર ઉતરતાની સાથે જ બોલ પર આક્રમક પ્રહારો શરૂ કરી દીધા હતા. પોતાના આવા પ્રદેશન અંગે આફ્રિદીએ કહ્યું કે, "હું ખૂબ થાકી ગયો છું, પરંતુ ડ્રેસિંગ રૂમનો માહોલ ખૂબ સારો છે. સારી વાત છે કે આગામી મેચ પહેલા આરામ કરવાનો થોડો સમય બચ્યો છે. પીચ ખૂબ સારી છે, મને લાગે છે કે ચાહકોને ખૂબ મજા પડી હશે."



    ઉલ્લેખનીય છે કે આફ્રિદી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે. જોકે, ક્રિકેટમાં તેની રમતના હજી ઘણા દિવાના છે. આફ્રિદીને ક્રિકેટ ફોર્મેટમાં યોજાનાર કતાર પ્રીમિયર લીગનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યો છે. QPLનું આયોજન આ વર્ષે જ થશે, જેમાં ચાર કે છ ટીમ ભાગ લેશે.
    Published by:Vinod Zankhaliya
    First published: