આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પાકિસ્તાનને વર્લ્ડ કપથી બહાર કરવાની ભારતની માંગને ઠુકરાવી દીધી છે. બીસીસીઆઈએ આઈસીસીને માંગ કરી હતી કે આતંકવાદને સમર્થન આપનારા દેશોને વર્લ્ડ કપમાં ભાગ ન લેવડાવવામાં આવે. આઈસીસીએ કહ્યું કે આવા મામલામાં તેમની કોઈ ભૂમિકા નથી.
પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા બાદ બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં એવા દેશો સાથે સંબંધ તોડવા માટે કહેવામાં આવ્યું હતું જે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈએ આઈસીસીને લખેલા પત્રમાં પાકિસ્તાનના નામનો ઉલ્લેખ નહોતો કર્યો.
નોંધનીય છે કે, પુલવામા હુમલા બાદ કેટલાક લોકો વર્લ્ડ કપમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચનો વિરોધ કરી રહ્યા છે. તેને લઈને બીસીસીઆઈની પણ એક બેઠક થઈ, પરંતુ બેઠકમાં પાકિસ્તાન સાથે મેચ રમવી કે ન રમવી તેને લઈને કોઈ નિર્ણય નહોતો લેવાયો. બીસીસીઆઈએ આ નિર્ણય સરકાર પર છોડી દીધો છે.
બીજી તરફ, વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે મેચ ન રમવા પર પૂર્વ ક્રિકેટર એકમત નથી. સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા પ્લેયર કહી ચૂક્યા છે કે જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે તો તેનો ફાયદો પાકિસ્તાનને થશે. કારણ કે, પાકિસ્તાનને મફતમાં બે પોઇન્ટ મળી જશે જ્યારે તે આજ સુધી વર્લ્ડ કપમાં ભારત સામે કોઈ મેચ જીતી નથી શક્યું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર